સુરત શહેરમાં ગઇકાલના રોજ લાલગઢ વિસ્તારમાં મીંડી ગેંગ પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી ઉર્ફે બિલાલ પુનાવાલાનું કરુણ મોત થયું હતું. પોલીસ તપાસમાં આ ફાયરિંગ જનતા માર્કેટ ખાતે બેવડી હત્યાના આરોપી ફઇમ સુકરીએ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, ફઇમ હાલ પેરોલ પર જેલની બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, સુરતના લાલગઢ વિસ્તારમાં ગઈકાલે એક વ્યક્તિ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ચૂક્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક સુરતના માથાભારે આરીફ મીંડીનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મીંડી ગેંગ સામે હપ્તાખોરી ઉપરાંત વ્યાજનો બિઝનેસ અને દાદાગીરી સહિત અનેક ગુના દાખલ છે.