દાહોદ: સંજેલીમાં 35 વર્ષિય મહિલાને 10-15 જેટલા લોકોના ટોળાએ તેના જ ઘરમાંથી અર્ધનગ્ન હાલતમાં ખેંચીને બહાર કાઢી હતી. પહેલા તો મહિલાને પાંચથી- છ લાફા ઝીંક્યા પછી મહિલા સાથે બળજબરી કરી તેના હાથ સાંકળથી બાંધી દેવામાં આવ્યા. ત્યારબાદ આ સાંકળને બાઈક સાથે બાંધવામાં આવી. આ તમામ કૃત્ય કરવામાં સામેલ 15 લોકોમાં 7 થી 8 જેટલી મહિલાઓ સામેલ હતી. જે ખુદ મહિલાના હાથ બાંધી રહી હતી. મહિલાને માર મારી રહી હતી તેને અપશબ્દો બોલી રહી હતી.
આટલુ કર્યા બાદ મહિલાને બાઈક સાથે બાંધીને ગામમાં દોડાવવામાં આવી. ટોળુ મહિલાનો ફજેતો કાઢી રહ્યુ હતુ. હજુ થોડે દૂર ગયા હશે ત્યાં ટોળામાંથી કોઈએ મહિલાનુ ચીરહરણ કરવાનું ચાલુ કર્યુ. મહિલા કરગરી રહી હતી પરંતુ તેની વહારે આવનાર ત્યા કોઈ ન હતા. જે હતા તે રાક્ષસી દાનવો હતો. કહેવાતા સભ્ય લોકો ખુદને સમાજના ઠેકેદાર ગણાવી રહ્યા હતા. દ્રૌપદીના ચીર પૂરવા માટે તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા પરંતુ આખા ગામમાં કોઈ એવો સભ્ય વ્યક્તિ ન હતો જે મહિલાના નગ્ન તન પર કોઈ કપડુ પણ ઢાંકવા આવે, આ અધમ કૃત્ય કરતા રોકે. સંપૂર્ણ નગ્ન પરેડ પતી ગઈ, વીડિયો ઉતરી ગયા, પછી DYSP સાહેબની ઘટનામાં એન્ટ્રી થઈ.
મહત્વનું છે કે,આ ઘટના 27 જાન્યુઆરીએ ઘટી હોવાનું સામે આવ્યુ છે. મહિલાની આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા સાથે આ બર્બરતાપૂર્ણ અત્યાચાર કરવા પાછળનું કારણ હતુ મહિલાના અન્ય પુરુષ સાથેનો સંબંધ. આ ભોગ બનનાર મહિલા પરિણીત છે અને તેનો પતિ જેલમાં છે, મહિલાના ગામના જ અન્ય પુરુષ સાથે સંબંધો હતા. જે આ બની બેઠેલા સમાજના રખેવાળોથી સહન થયુ અને ખુદ કાજી બની મહિલાને સજા દેવા માટે ભેગા થઈ ગયા. મળતી વિગતો અનુસાર મહિલા સાથે અત્યાચાર ગુજારનારા તમામ મહિલાના સાસરીપક્ષના સભ્યો છે. મહિલાનો પતિ એક વ્યક્તિની હત્યાના આરોપસર રાજકોટ જેલમાં છે. જેમણે પત્ની સાથે આડાસંબંધની આશંકામાં એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી જેની હાલ જેલમાં સજા કાપી રહ્યો છે.