છેલ્લા કેટલાંક મહિનામાં ટુ વ્હીલર પર વ્હીલ લોક લઈને ફરતાં કેટલાંક લોકો ટ્રાફિક પોલીસ કે ટોઈંગની સત્તાવાળા હોવાનો દાવો કરીને ગેરકાયદે પાર્કિંગ કરતાં લોકો પાસેથી આવી રીતે પૈસા ઉઘરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ટુ વ્હીલર પર લોક લઈને ફરતાં અને રોડ પર કોઈપણ ગેરકાયદે રીતે ઊભેલી કારને લોક કરીને લાંચ લઈને માંડવાળ કરીને કમાણી કરવાનો કીમિયો અજમાવી રહ્યા છે. કોઈપણ પ્રકારના આધારભૂત પુરાવા વિના આ પ્રકારના લેભાગુ તત્ત્વો દ્વારા શહેરના સિંધુભવન રોડ, એસ.જી. હાઈવે પર ટુ વ્હીલર પર આવીને સામાન્ય કારચાલકો સાથે ગેરકાયદે દંડ ભરાવવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.
મોટા ભાગના ચાલકો ગભરાઈ જતાં જ રોકડો વ્યવહાર કરીને માંડવાળ પૂરી કરતાં હોવાથી આ પ્રકારના તત્ત્વોને સરળતા રહે છે. ખરેખર તો ટોઈંગ સ્ક્વોડમાં એક ક્રેન સાથે એક પોલીસ કર્મચારી હોય છે જે અધિકૃત પાવતી આપે છે. સામાન્ય રીતે રોડ રસ્તા પર કોઈ ચાલક પોતાની કાર પાર્ક કરીને જાય અને કારના ટાયર પર લોક લાગેલું જોઈને સ્વાભાવિક રીતે આ કારચાલક આસપાસમાં દંડ ભરવા અને પોતાની ગાડી છોડાવવાના હેતુથી ટ્રાફિક પોલીસને શોધે છે. તે જોવે છે કે વ્હીલ લોક પર એક નંબર લખેલો છે. આ ચાલક જ્યારે એ નંબર લગાવે છે ત્યારે સામેથી ફોનમાં અવાજ આવે છે કે થોડી જ વારમાં હું આવું છું. થોડીવાર પછી આ વ્યક્તિ આવે છે અને મેમો ફાડવાની શરુઆત કરે છે.
આ વ્યક્તિ કહે છે કે ખોટી જગ્યાએ કાર પાર્ક કરવા બદલ આ લોક લગાવવામાં આવ્યું છે અને તમારે આ ગુનાનો એક હજાર દંડ ભરવો પડશે. દંડ ભરવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલા ટ્રાફિક પોલીસના સ્વાંગમાં આ વ્યક્તિ ઓનલાઈન દંડ ભરવા જણાવે છે અને થોડીવારની ગડમથલ પછી ટ્રાફિકના કર્મચારી દંડ ન ભરવો હોય તો 500 રૂપિયા લાંચ આપીને વાત પતાવી દેવાની વાત કરે છે. થોડીવાર પછી કારચાલકને થોડી શંકા જતાં તે ઓનલાઈન પાવતી અને ઓનલાઈન પેમેન્ટ માટે સામે દબાણ કરે છે. પરંતુ સામા પક્ષે નકલી સ્વાંગમાં આવેલા આ વ્યક્તિ ગભરાઈ જતાં પોતાનું લોક અને કારચાલકનું લાઈસન્સ લઈને ભાગી જાય છે.