મહામારી મ્યુકોરમાઈકોસને લઈને અમદાવાદથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મ્યુકોરમાઈકોસીસ 14 વર્ષના કિશોરને થયા હોવાનો ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ કિશોરને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન તે સ્વસ્થ થઈ ગયો હતો. હાલ મ્યુકોરમાઇકોસીસ થતા અમદાવાદની ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી અને જમણી તરફના દાંત કાઢ્યા બાદ હાલ કિશોરની તબિયત સ્થિર છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેની વચ્ચે મ્યૂકોર માઈકોસિસે (બ્લેક ફંગસ) ચિંતા વધારી દીધી છે. બ્લેક ફંગસને અનેક રાજ્યએ મહામારી જાહેર કરી છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે પણ તેને મહામારી (Epidemic) જાહેર કરી છે. બ્લેક ફંગસને મહામારી જાહેર કરનાર ઉત્તર પ્રદેશ આઠમું રાજ્ય છે. આ પહેલા ગુજરાત, તેલંગણા, રાજસ્થાન, આસામ, ઓડિસા, પંજાબ અને ચંદીગઢ તેને મહામારી જાહેર કરી ચૂક્યા છે.
કોરોના બાદ આવેલી મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં બાળકમાં અત્યાર સુધી કેસ જોવા મળતા ન હતા, પણ પહેલીવાર ગુજરાતમાં કેસ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે બાળકો પણ આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે.