કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના નવા કેસ અંગે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિગતો આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નવી દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જે આંકડો આપ્યો તે ગુજરાત માટે આડકતરી રીતે ચિંતાજનક છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના ડેલ્ટાપ્લસ વેરિએન્ટના 48 નવા કેસ નોંધાયા છે જે પૈકીના 2 દર્દી ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જોકે, ચિંતાની સામે સારી વાત એ પણ છે કે આ બંને દર્દી સાજા થઈ ગઈ છે. આ બંને કેસમાંથી એક સુરત અને એક વડોદરાનો હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રલાયના સચિવોની પત્રકાર પરિષદમાં આ માહિતી સામે આવી કે દેશના કુલ 18 જિલ્લામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવ્યા છે. બીજી લહેરની સામે માંડ માંડ ઊભા થઈ રહેલા મહાષ્ટ્રમાં ડેલ્ટાપ્લસના સૌથી વધુ 20 કેસ નોંધાયા છે જ્યારે આ વેરિએન્ટના દર્દીનું પ્રથમ મોત પણ મહારાષ્ટ્રમાં જ થતા અનલૉકના નિયમોમાં કડકાઈ વર્તી દેવામાં આવી છે.
મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના જે કેસ નોંધાયા છે તેમાં સુરતથી આવેલા બે વ્યક્તિ શામેલ હોવાની માહિતી મહારાષ્ટ્ર સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે. આ સાથે જ સુરત માથે સંકટ વધી ગયું છે. આ વ્યક્તિઓ કોણ છે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહારાષ્ટ્ર સરકારે તપાસ કરતા ડેલ્ટા પ્લસ વાયરસથી સંક્રમિત બંને વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની જણાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર પાસેથી માહિતી મળ્યા બાદ સુરતનું તંત્ર પણ દોડતું થયું છે.