કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના મુશ્કેલ સમયમાં કંપનીઓ, ખાસ કરીને માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને તાત્કાલિક રાહત મળી શકે તે માટે CBICએ તમામ પ્રિન્સિપલ ટેક્સ કમિશનરોને બાકી જીએસટી ક્લેમને સમયસર પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે.
બોર્ડે કહ્યું કે, તમામ બાકી જીએસટી રીફન્ડ ક્લેમને પ્રાથમિકતાના આધારે પૂર્ણ કરવા 15મી મે 2021થી 31મી મે 2021 દરમિયાન ખાસ જીએસટી રિટર્ન સમાધાન અભિયાન ચલાવો.
CBICએ એમ પણ કહ્યું કે, જીએસટી કાયદો મંજૂરી અથવા ખામી સંબંધિત પત્ર જાહેર કરવા માટે 15 દિવસનો સમય આપે છે. આ ઉપરાંત વ્યાજ વગર રકમ પરત આપવાના ક્લેમના સમાધાન માટે 60 દિવસનો સમય મળે છે.
બોર્ડે વધુમાં કહ્યું કે, તમામ સંબંધિત કેન્દ્રીય કર અધિકારી બાકી રહેલા જીએસટી રિફંડ ક્લેમને નિકાલ કરવામાં પ્રાથમિકતા આપે અને નિર્ધારિત સમય કરતાં પહેલાં તેનો નિકાલ થઈ જાય તેવો પ્રયત્ન કરવામાં આવે તેવી અપેક્ષા છે. રિફંડ ક્લેમની અરજી મળ્યા બાદ તેનો નિકાલ 30 દિવસમાં થઈ જાય તેના પર પણ ધ્યાન આપવાનું રહેશે. આ ખાસ અભિયાન હેઠળ 31 મે 2021 સુધીમાં સુધીમાં જીએસટી રિટર્નના તમામ દાવાઓનો નિકાલ થઈ જશે તેવી આશા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ(CBIC) દ્વારા મહિનાના અંત સુધીમાં જીએસટીના રિફંડ ક્લેમના નિકાલ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમ કસ્ટમ્સ અને ડ્યુટી રિફંડમાં ક્લેમના નિકાલ માટે ખાસ અભિયાન ચાલી રહ્યું છે, તેવી રીતે CBICએ પણ જીએસટી રિટર્ન માટે 15 દિવસનો વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે.
કરદાતાઓના જરૂરી દસ્તાવેજો જમા કરાવવા/કરદાતાઓના જવાબ (જો જરૂરી દસ્તાવેજોના અભાવ અથવા નોટિસનો જવાબ ન આપવાથી ક્લેમ અટક્યો હોય તેવા કેસમાં)ને લઈ મદદ કરી શકાય તે માટે ટેક્સ ઓફિસર અગ્રણી વેપાર અને ઉદ્યોગ સંગઠનો અને એમાં પણ ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો સાથે સંકળાયેલા સંગઠનો સાથે સંકલન કરશે.