દાહોદ જિલ્લા માં આગામી તા. ૧૯ ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે ઇન્ટર સ્ટેટ બોર્ડર મીટિગ યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના જિલ્લાઓ અલીરાજપુર, ઝાબુઆ, અને બાંસવાડાના કલેક્ટરશ્રી અને એસપીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ આંતર રાજ્ય સરહદ બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં યોજાનારી આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે સરહદી વિસ્તારોના ગામોમાં ચૂંટણી વ્યવસ્થા-સુરક્ષા બાબતે અધિકારીશ્રીઓનો સહકાર માંગ્યો હતો. અન્ય રાજ્યોના સરહદી ગામોમાં ચૂંટણી સમયે જિલ્લા દ્વારા પૂરો સહકાર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે ચૂંટણીઓ દરમિયાન અવ્યવસ્થા સર્જવા માટે નામચીન સરહદી વિસ્તારના વ્યક્તિઓની યાદી પણ આ તબક્કે પોલીસ અધિકારીશ્રીઓને આપી હતી. આ ઉપરાંત નોન બેલેબલ વોરન્ટ ઇસ્યુ કર્યા હોય તેવા વ્યક્તિઓને પકડી પાડવામાં પણ આસપાસના જિલ્લાઓનો સહકાર માંગ્યો હતો.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોરે એક પ્રેઝન્ટેશન થકી જિલ્લામાં ચૂંટણી વ્યવસ્થા વિશે માહિતી આપી હતી. બેઠકમાં નાયબ કલેકટર શ્રી એન.જી. કુંપાવત સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.