પીએમ કેર ફંડમાંથી દાહોદ જિલ્લાને ૭૪ ઓક્સીજન કોન્સ્ટ્રેટર ફાળવાયા, કતવારા, ધાનપુર અને ફતેપુરામાં પણ ઓક્સીજન પ્લાન્ટ નાખવાનું આયોજન

દાહોદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં ૧૫૦૦ બેડ સુધીની વ્યવસ્થા ઉભી કરાશે, ૨ હજારની તૈયારી.


છેલ્લા એક અઠવાડિયાથી પ્રતિદિન ૨૦ હજાર નાગરિકોનું રસીકરણ, દાહોદ જિલ્લામાં લક્ષ્યાંકિત ૫૪ ટકા નાગરિકોને રસીનો એક ડોઝ આપી દેવાયો

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર સામેની તૈયારીની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર

કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી કરવામાં આવેલી મહેનતને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી લહેરના અનુભવોને ધ્યાને રાખીને દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેર માટે ઓક્સીજન બેડ, લોજીસ્ટીકની આપૂર્તિ સાથે વેક્સીનેશનની કામગીરીને પણ પૂરપાટ ઝડપે વેગ આપવામાં આવી રહ્યો છે.
ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વખતે ઓક્સીજન બેડની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. એ બાબતને જોતા જિલ્લામાં સીએચસી કક્ષાએ પણ હવે સેન્ટ્રલ ઓક્સીજન લાઇન નાંખીને ઓક્સીજન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રૂ. ૧૯૭.૧૮ લાખના ખર્ચથી ૩૭૮ ઓક્સીજન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં ઓક્સીજનની સેન્ટ્રલ લાઇન નાખવામાં આવી છે. જેમાં લીમખેડામાં ૩૦, ધાનપુરમાં ૪૦, સિંગવડમાં ૨૪, સુખસરમાં ૧૮, ફતેપુરમાં ૨૪, પેથાપુરમાં ૧૮, ગરબાડામાં ૨૪, કતવારામાં ૩૦, સંજેલીમાં ૩૪, મીરાખેડીમાં ૩૪, બોરડીમાં ૩૪, ડાભવામાં ૩૪ અને દૂધિયામાં ૩૪ બેડની વ્યવસ્થા કરાઇ છે.
આ ઉપરાંત દેવગઢ બારિયાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૫૦ પથારી અને ઝાલોદમાં ૨૦ મળી કુલ ૪૪૮ પથારીની વ્યવસ્થા કરાઇ છે. એ માટે કુલ રૂ. ૨૧૫.૭૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ મળીને ૧૫૦૦ પથારીઓ ઓક્સીજનની સુવિધા સાથેની બનાવવા માટેનું આયોજન છે. જેને વધારીને ૨૦૦૦ હજાર સુધી કરવાની તૈયારી રાખી છે. આ ઉપરાંત ઝાયડ્સ હોસ્પિટલમાં એક કોરોનાગ્રસ્ત બાળકો માટેનો અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પીએમ કેર ફંડનો દાહોદને પણ લાભ મળ્યો છે. દાહોદ જિલ્લાને પીએમ કેર ફંડમાંથી ૭૪ ઓક્સીજન કોન્સ્ટ્રેટર મળ્યા છે. આ ઉપરાંત બીજા ૧૦ ઓક્સીજન કોન્સ્ટ્રેટર કોર્પોરેટ સોશ્યલ રિપોન્સબલિટીમાંથી રાજ્ય સરકાર દ્વારા દાહોદને અપાયા છે. જે પીએચસી, સીએચસી કક્ષા અને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે. ગ્રામ્ય સ્તરે ઓક્સીજનની અણીના સમયની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાશે.
શ્રી પરમારે કહ્યું કે, ઝાલોદ અને દેવગઢ બારિયામાં ઓક્સીજનનું ઉત્પાદન કરવા માટેના પીએસએ પ્લાન નાખી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કતવારા, ફતેપુરા અને ધાનપુરમાં પણ પીએસએ પ્લાન્ટનું આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યું છે. કતવારા દાહોદ નગરથી નજીક હોવાથી જો ઝાયડ્યમાં દર્દીઓની સંખ્યા વધી જાય તો ત્યાં શિફ્ટ કરી શકાય. ઝાલોદ અને દેવગઢ બારિયામાં ૨૫૦ લિટર ઓક્સીજન પ્રતિ મિનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. દેવગઢ બારિયામાં વધુ એક પ્લાન્ટ ડીઆરડીઓ તરફથી ફાળવવામાં આવનાર છે.
ત્રીજી લહેરની તૈયારીના ભાગ રૂપે યુનિસેફ-સીએસઆર સપોર્ટ તરીકે દાહોદ જિલ્લાને ૭૦ હજાર એન-૯૫ માસ્ક, ૩૫ હજાર પીપીઇ કિટ્સ, ત્રણ લાર્જ ડીપ ફ્રીઝ, ત્રણ કોલ્ડ બોક્સ, ૫૦ વેક્સીન કેરિયર અને જીએમએસએલ દ્વારા દવાઓ ઉપરાંત એક લાખ ત્રીપલ લેયર માસ્ક આરોગ્યતંત્રને ફાળવવામાં આવ્યા છે. બીજી લહેરની જેમ જ આ વખતે પણ જરૂર પડે તો ગ્રામ્ય કક્ષાએ પણ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે.
દાહોદ જિલ્લાના નાગરિકોમાં હવે કોરોના સામેની રસી લેવામાં જાગૃતિ વધી રહી છે, એ બાબતનો ઉલ્લેખ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે એમ પણ કહ્યું કે, જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રતિદિન ૨૦ હજારથી પણ વધુ લોકોને રસી મૂકવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં લક્ષ્યાંકિત ૧૫, ૩૭, ૭૩૭ની સામે ૮,૩૪,૪૯૪ લોકોને રસીનો પ્રથમ ડોઝ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે, જિલ્લામાં ૫૪.૨૭ ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે, ૯૬.૦૭ ટકા ટકા એટલે કે, ૩,૬૮,૯૨૨ નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
જિલ્લામાં ૧૫૧૪૨ આરોગ્યસેનાનીઓ, ૨૫૯૩૫ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ, ૩૮૫૯૬૧ ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો અને ૪૦૭૪૫૬ યુવાનોને કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જે યુવાનોએ પ્રથમ ડોઝ લીધો હોય તેમણે નિયત સમય મર્યાદામાં બીજો ડોઝ પણ લઇ લીધો હોવાનો ટ્રેન્ડ દાહોદમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૮૨૦૧ યુવાનોએ બીજો ડોઝ લઇ લીધો છે. જેનું પ્રમાણ સો ટકા છે. કોરોના રસી લેવાની બાબતે જાગૃતિ આવે એ માટે આરોગ્ય તંત્ર દ્વારા ભવાઇ સહિતના પરંપરાગત માધ્યમોથી પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે.

 

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights