દાહોદના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સુશ્રી રશીદા એમ. વોરાએ સંજેલી તાલુકાનાં મોજે ઇટાડી ખાતે નવનિર્મિત સીવીલ કોર્ટ ભવનનું લોકાર્પણ કર્યું હતું. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર કાર્યક્રમ સાદગી અને માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમો સાથે યોજાયો હતો.
સંજેલીના મોજે ઈટાડી ખાતે નવનિર્મિત આ કોર્ટ ભવનનું બાંધકામ રૂ. ૫૧૭.૬૬ લાખના ખર્ચે દાહોદનાં માર્ગ અને મકાન વિભાગે કર્યું છે. આ અત્યાધુનિક સુવિધા સાથેનાં કોર્ટ ભવનમાં કોર્ટ, જજ ચેમ્બર, મુદ્દામાલ રૂમ, જ્યુડીશિયલ બ્રાન્ચ, કેન્ટિન, સ્ટોન્ગ રૂમ, બાર રૂમ તેમજ મોડ્યુલ ફર્નિચરનો સમાવશે થાય છે. આ ઉપરાંત કોર્ટ સંકુલમાં આંતરિક રોડ, કમ્પાઉન્ડ વોલ, સંપ, ગાર્ડન, ફાયર સેફ્ટી સુવિધા અને પાર્કિગ શેડ પણ બનાવવામાં આવ્યું છે.
આ વેળાએ અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી એસ.આઇ. ભોરણીયા, ત્રીજા અધિક જિલ્લા ન્યાયાધીશ સુશ્રી બી. એચ. સોમાણી, સંજેલીના મુખ્ય સીવીલ જજ અને જ્યુડી. મેજી. ફ.ક. શ્રી જે. જે. જાદવ, સંજેલી બાર એસોસીએશનનાં પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વી.કે. ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા. હવેથી સંજેલી સીવીલ કોર્ટની કાર્યવાહી માટેનું સરનામું આ મુજબ છે. પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, સંજેલી, મોજે ઇટાડી, તા. સંજેલી, જિલ્લો દાહોદ તેની નાગરિકોએ નોંધ લેવી.