દેશની રાજધાની દિલ્હી માં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડવા લાગી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને જોતા હવે દિલ્હી સરકારે ધીરે ધીરે લોકડાઉન ખતમ કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા 31મી મેથી તબક્કાવાર રીતે શરૂ થશે.
કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ અને ફેક્ટરીઓ ખોલવાનો આદેશ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે એલજીની અધ્યક્ષતામાં લોકડાઉન ખોલવા અંગે બેઠક થઈ. દિલ્હીમાં 31મી મેથી નિર્માણ ગતિવિધિઓની બહાલી અને કારખાનાઓને ફરીથી ખોલવા માટે મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 1.5 ટકા થયો છે. પરંતુ વાયરસ વિરુદ્ધ હજુ પણ લડાઈ ખતમ થઈ નથી.
આર્થિક ગતિવિધિઓને શરૂ કરવી જરૂરી
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘કરોડો લોકોની મહેનતનું પરિણામ છે કે દિલ્હીમાં હવે કોરોના ના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. હવે ધીરે ધીરે અનલોક કરવાનો સમય છે.’ તેમણે વધુમાં કહ્યું કે ‘એવું ન બને કે કોરોનાથી લોકો બચી જાય, અને ભૂખમરાથી મરી જાય. આથી હવે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવી જરૂરી છે.’