Mon. Dec 23rd, 2024

Facebook થયું Meta, માર્ક જુકરબર્ગની કંપની બદલાયું

 

માર્ક જુકરબર્ગ ઘણાં લાંબા સમયથી પોતાની સોશિયલ મીડિયા કંપનીનું ફરી બ્રાન્ડિંગ કરવા ઈચ્છતા હતા. તેઓ તેને એકદમ અલગ ઓળખ આપવા ઈચ્છે છે, એક એવી જ્યાં ફેસબુકને ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ન જોવામાં આવે. હવે તે દિશામાં આગળ વધીને ફેસબુકનું નામ બદલીને મેટા કરી દેવામાં આવ્યું છે. કંપનીનું ફોકસ હવે મેટાવર્સ બનાવવા પર છે જેના દ્વારા એક એવી વર્ચ્યુઅલ દુનિયાની શરૂઆત થશે જ્યાં ટ્રાન્સફર અને કોમ્યુનિકેશન માટે અલગ અલગ ટૂલનો ઉપયોગ કરી શકાશે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે પોતાનું નામ બદલી નાખ્યું છે. હવેથી દુનિયા ફેસબુકને ‘મેટા’ તરીકે ઓળખશે. ફાઉન્ડર માર્ક જુકરબર્ગે ગુરૂવારે એક મીટિંગ દરમિયાન આની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઘણાં લાંબા સમયથી ફેસબુકનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હવે તે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ફેસબુકનું નવું નામ ‘મેટા’ કરી દેવામાં આવ્યું છે.

નવા નામનું મહત્વ?

ફેસબુકના ફોર્મર સિવિક ઈન્ટીગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તી તરફથી આ નવા નામનું સૂચન આપવામાં આવ્યું હતું. માર્ક જુકરબર્ગ પહેલેથી જ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યા હતા તેવામાં તેમના માટે પોતાની કંપનીનું નામ બદલીને મેટા કરી દેવું કોઈ મોટી વાત નહોતી. હવે આ નવા નામ દ્વારા તેઓ આખી દુનિયા સામે પોતાને ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૂરતા સીમિત નહીં રાખે.

 

 

નામ બદલવાની સાથે જ કંપનીએ અનેક લોકો માટે રોજગારીના નવા અવસરો પણ ખોલી દીધા છે. ફેસબુકે પોતાને રિબ્રાન્ડ કરવાની સાથે આશરે 10 હજાર જેટલા નવા લોકોને નોકરી પર રાખવાની તૈયારી પણ કરી લીધી છે. આ બધા જ લોકો મેટાવર્સ વાળી દુનિયાને બનાવવામાં મદદ કરશે.

ફેસબુક પર અનેક ગંભીર આરોપો લગાવાઈ રહ્યા છે તેવા સમયે કંપનીએ નામ બદલવાનું આ મોટું પગલું ભર્યું છે. એવું કહેવાય છે કે, કંપની પોતાના યુઝરના ડેટાને પણ સુરક્ષિત નથી રાખી શકતી. ફેસબુકના એક પૂર્વ કર્મચારી  Frances Haugenએ થોડા સમય પહેલા કંપનીના કેટલાક સિક્રેટ ડોક્યુમેન્ટ લીક કરી દીધા હતા. તેમાં એવું સામે આવ્યું હતું કે, ફેસબુકે યુઝર સેફ્ટીની ઉપર પોતાના નફાને મહત્વ આપ્યું હતું. માર્કે તે વાત ખોટી હોવાનું કહ્યું હતું પરંતુ કંપનીની ખૂબ જ બદનામી થઈ હતી.

તેવામાં કંપનીના નામ બદલવાની સાથે જ માર્ક જુકરબર્ગે લોકોની ગોપનીયતાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. પોતાના સંબોધન દરમિયાન માર્કે કહ્યું કે, આગામી સમયમાં એવા સેફ્ટી કંટ્રોલની જરૂર પડશે જેનાથી મેટાવર્સની દુનિયામાં કોઈ પણ મનુષ્યને અન્યની સ્પેસમાં જવાની મંજૂરી ન રહે.

Related Post

Verified by MonsterInsights