Mon. Dec 23rd, 2024

Gujarat / સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ, જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ આરંભાઇ

Gujarat : રાજ્ય સરકારે કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લીધો છે. રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે. એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે. એક સાથે મંદિર પરિસરમાં વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ અપાઇ છે.

દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે. સાથે જ મંદિર સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે વ્યવસ્થા કરવી પડશે. તો જન્માષ્ટમીના પર્વે રાજ્યમાં લોકમેળા નહીં યોજી શકાય. તો મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે. તો ગણેશોત્સવ માટે પણ રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે.


ગણેશોત્સવની ગાઇડલાઇન પર નજર કરીએ તો, સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે. અને ગણેશ ભક્તો પણ ઘરમાં 2 ફૂટની શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરી શકશે. ખાસ કરીને ગણેશ મંડળોએ પંડાલમાં દર્શન માટે SOP પાલન કરાવવું પડશે. અને પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે પ્રસાદ વિતરણ અને પૂજા-આરતીની છૂટ અપાઇ છે. જોકે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે એક વાહન સાથે વધુમાં વધુ 15 લોકોને છૂટ અપાઇ છે.

હાલ તો સરકારે આપેલી છુટછાટથી ગણેશોત્સવ અને જન્માષ્ટમીના પર્વને લઇને ઉત્સાહનો માહોલ છે. લોકોએ આયોજકો સહિત પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ આરંભી દીધી છે.

Related Post

Verified by MonsterInsights