youtube.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, તેના કારણે ગુજરાત ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. રાજ્ય સરકારે ટેક્સટાઈલ પોલિસીના માધ્યમથી ટેક્સટાઈલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્સટાઈલ પાર્ક્સ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે’, એમ CM ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત ‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ’ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં સંબોધન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.

 

રાજ્ય સરકાર દ્વારા તા.10 થી 12 જાન્યુઆરી,2022 દરમિયાન યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022’ ના ભાગરૂપે પ્રિ-વાયબ્રન્ટ સમિટના વિવિધ તબક્કાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ સંદર્ભે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે ‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ’ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી.

 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ ઉદ્યોગ માનવીની ‘રોટી, કપડા અને મકાન’ની મૂળભૂત ત્રણ જરૂરિયાતોમાંથી એક જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ગુજરાતમાં ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ છે. ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઈવ ‘F’ ની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઉદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે. નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશનું કુલ 37 ટકા સૂતરનું ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્સટાઈલ ઊદ્યોગનું કેપિટલ છે. ભારતમાં વણાયેલા ફેબ્રિકસમાં ગુજરાતનો હિસ્સો 37 ટકા છે, મેનમેઈડ ફાઈબર ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યનું યુવાધન આઈ.ટી.આઈ.માં ટેક્ષ્ટાઈલનો અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એ હેતુથી રાજ્યની 25 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ટેક્સટાઈલનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

મુખ્યમંત્રીએ માત્ર મોટા ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિકાસ માટે નક્કર આયોજન કર્યું હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ફાર્મ ટુ ફેશનની સંપૂર્ણ વેલ્યુ ચેઈન સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉપલબ્ધ છે, જેના થકી વૈશ્વિક ફલક પર સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ વિકાસના સીમાચિહ્નો સર કરશે, તેનો માતબર લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાનો છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’, ‘સ્કીલ ઈન્ડિયા’, સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ના વિઝનને સાકાર કરવા માટે તમામ ક્ષેત્રો સહિત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ કટિબદ્ધ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, તમામ વ્યાપારીઓ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને તેમની કોઈ પણ સમસ્યાઓના નિવારણ તેમજ સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી રાજ્ય સરકાર નિભાવી રહી છે. વૈશ્વિક સોર્સિંગ હબ તરીકે ભારતીય કાપડ ઉદ્યોગને ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના નિર્માણ માટેની પણ નેમ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે, આફતને અવસરમાં તબદીલ કરવાની પ્રેરણા વડાપ્રધાનએ આપી છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ શરૂ કરેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળી છે.

 

આ અવસરે કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગ્લોબલ માર્કેટને સર કરવા માટે ટેક્સટાઈલ ક્ષેત્રના વિકાસ માટે વિઝન પૂરું પાડી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રીએ દેશમાં રૂ.4445 કરોડના ખર્ચે 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે, એમ જણાવતાં PLI સ્કીમનો સૌથી વધુ ફાયદો રેડીમેડ ગારમેન્ટ, મેનમેડ ફાઈબર, ટેકનિકલ ફાઈબર ક્ષેત્રને થશે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર થકી કેન્દ્ર સરકાર અંત્યોદયની વિચારધારાને વેગવાન બનાવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

 

આ પ્રસંગે ઉદ્યોગરાજ્યમંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરીને ‘આત્મનિર્ભર ગુજરાત’ બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ‘મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડીયા’ની સાથે ભારત વિશ્વમાં આગળ વધી રહ્યું છે. ટેક્સટાઈલ, ગારમેન્ટ, સિલ્ક, જેમ્સ એન્ડ જવેલરી જેવા ક્ષેત્રોમાં સુરત શહેર તેજગતિએ વિકાસના સિમાચિહ્નો સર કર્યા છે. આવનારા સમયમાં ટેકનિકલ ટેક્સટાઈલક્ષેત્રનું ભાવિ ઉજળુ હોવાનું જણાવીને આ ક્ષેત્રના વિકાસમાં આગળ વધવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

 

સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતી સાહસિકોની મૌલિકતા, સાહસવૃત્તિના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યો છે. ટુંક સમયમાં જમીન ફાઈનલ થવાથી ટેક્સટાઈલ પાર્કનું નિર્માણ થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સૌના હિતોના રક્ષણ માટે જાગૃત રાજ્ય સરકાર કાપડ ઉદ્યોગકારોની જી.એસ.ટી. અંગેની માંગણીને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે. ટેક્સટાઈલમાં બાંગ્લાદેશ સાથે આપણી સ્પર્ધા થઈ રહી છે એમ જણાવતાં તેમણે આપણી ઈન્ડસ્ટ્રીઝ માટે પૂરતી માત્રામાં મેનપાવર છે, જેથી વધુને વધુને રિસર્ચ કરીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને આગળ વધારવાના સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

 

જીઆઈડીસીના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ,થેન્નારસને મુખ્યમંત્રી અને મહાનુભાવોને આવકારી આ સમિટના વિવિધ સેશન અને ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે થનાર વિચારમંથન અંગેની વિગતો આપી હતી. આ વેળાએ ‘કાપડ ઉદ્યોગનો થઈ રહેલો વિકાસ અને ભવિષ્યની ઉજળી તકો’ વિષયક વિડીયોફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights