વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે ગાંધીનગર ખાતે સવારે 06:30 વાગ્યે માતાના આશીર્વાદ લઈને તેમની પૂજા-અર્ચના પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ માતાના જન્મદિવસ પર તેમના પગ ધોઈને તેમને શાલ ઓઢાડી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.
વડાપ્રધાન મોદીએ માતાને લાડુ ખવડાવીને તેમને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી હતી તથા ચરણ ધોઈને તે પાણી માથે ચઢાવ્યું હતું. આ ઉપરાંત તેમણે માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો અને તેમના સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ પ્રસંગે ઘરમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીના પરિવારને ભગવાન જગન્નાથમાં ખૂબ જ આસ્થા છે. આ કારણે માતા હીરાબા અને તેમનો પરિવાર સવારે 09ઃ30 વાગ્યે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.
પાવાગઢ પ્રવાસ
વડાપ્રધાનના આગમનના પગલે ગાંધીનગર-રાયસણ ખાતે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. માતાના જન્મદિવસના ખાસ પ્રસંગે જ વડાપ્રધાન મોદી પાવાગઢ પણ જવાના છે. તેઓ બપોરે 11:00 કલાકે ત્યાં પહોંચશે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે તેઓ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરીને કાલિકા માતાના શિખર પર ધ્વજારોહણ કરશે.
નવા રંગરૂપ સાથે શિખરનું નિર્માણ
ઉલ્લેખનીય છે કે, 12 કરોડ રૂપિયાના ખર્ચે પાવાગઢ મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે. 15મી સદીમાં આ મંદિર પર ચઢાઈ થઈ હતી અને 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. હવે આ શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે.
500 વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ
ઉપરાંત માતાજીના જૂના મંદિરમાં શિખરની જગ્યાએ દરગાહ હતી તેને સમજાવટપૂર્વક દૂર કરાવીને ત્યાં નવું શિખર બાંધવામાં આવ્યું છે તથા તેના પર ધ્વજદંડક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યારે 500 વર્ષ બાદ પાવાગઢમાં માતા કાલિકાના શિખર પર ધ્વજારોહણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતા કાલિકામાં ખૂબ જ શ્રદ્ધા છે.