ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Rupani) આજે પોતાના 65માં જન્મદિવસ નિમિતે પોતાના વતન રાજકોટ ખાતે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની સાથે ભોજન લઈને જન્મદિવસની ઉજવણી કરી હતી.
રાજકોટમાં જનકલ્યાણ હોલ ખાતે 79 જેટલા બાળકો સાથે પહેલા સંવાદ કર્યો હતો અને બાળકો સાથે ભોજન લીધું હતું. આ સાથે સહાય સેતુના કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. વિજય રૂપાણીએ બાળકોને ભેટ પણ આપી હતી. રાજ્યભરમાં આ રીતે કોરોનાગ્રસ્ત બાળકોને સહાય આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
કોરોનામાં એક વાલી ગુમાવનારને પણ મળશે બે હજારની સહાય
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું હતુ કે પહેલા કોરોનામાં માતા પિતા બંન્ને ગુમાવનારને 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જો કે હવે 18 માર્ચ 2020થી માતા અથવા પિતા બંન્નેમાંથી એક વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવનારને પણ 18 વર્ષના થાય ત્યાં સુધી બે હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
વિધવા મહિલા પુન: વિવાહ કરશે તો મળશે 50 હજારની સહાય
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધવા બહેન પુન: લગ્ન કરે તો તેના માટે પણ વિશેષ સહાયની જાહેરાત કરી હતી. હવે જો કોઈ વિધવા બહેન ફરી લગ્ન કરશે તો સરકાર દ્વારા તેને 50 હજાર રૂપિયાની સહાય મળશે. વિધવા બહેનના લગ્ન ફરી થાય અને સંસાર કરી આગળ વધે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ અંતર્ગત 244 લોકોને વિધવા સહાય, સૂચિત સોસાયટીના મકાનની સનદ, દિવ્યાંગોને સહાય, ક્રીમીલીયર સર્ટિ. અને જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા આની સાથે જ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3,963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000ની સહાય ચૂકવવાની યોજનાનો પ્રારંભ કર્યો છે.
નોંધનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1થી 9 ઓગસ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરી રહી છે.