મોરબી : મોરબીમાં સમતા ફાઉન્ડેશન અને જવાહર સોસાયટી યુવા સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના માધ્યમથી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભારત સરકાર દ્વારા બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 હેઠળ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 10 જૂનથી શિક્ષણ સત્રની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગરીબ અને વંચિત બાળકો રાઈટ ટૂ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો.૧ થી ૮ સુધી મફત પ્રવેશ મેળવીને પોતાનું શિક્ષણ મેળવે છે.
ત્યારે હાલ રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત સરકાર દ્વારા હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવી ના હોય ગરીબ અને વંચિત બાળકોને તાત્કાલિક કોઈપણ શાળામાં પ્રવેશ મેળવવાની ફરજ પડી છે.
કોરોના રોગચાળા દરમિયાન, તેઓને બિનજરૂરી પ્રવેશ ફી, શાળા ફી, યુનિફોર્મ ફી ખર્ચવા પડે છે. સમતા ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી ગરીબ અને વંચિત બાળકોને નિ: શુલ્ક પ્રવેશ પ્રદાન કરી રહ્યું છે. આ વર્ષે આ પ્રવેશ પ્રક્રિયામાં લેટ થયું હોય સમતા ફાઉન્ડેશન અને જવાહર સોસાયટી યુવા સંગઠનના સભ્યો દ્વારા સરકાર તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયાની કામગીરી કરે તેવી માંગ કરાઈ છે.