રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અવાર નવાર ચોરી, લૂંટફાટ અને મારામારી જેવી ઘટનાઓ સામે આવે છે. રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે અમરેલીમાં માથાભારેની છાપ ધરાવતા છત્રપાલ વાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.
અગાઉ છત્રપાલ વાળા નામનો ઇસમ અમરેલીના SP નિર્લિપ્ત રાયને ખુલ્લો પડકાર ફેંકી ચૂક્યો છે અને ખંડની જેવા ગુનામાં પોલીસના હાથે પકડાઈ પણ ચૂક્યો છે. ત્યારે છત્રપાલ વાળાએ જમીન વિવાદમાં એક યુવકનું અપહરણ કરીને તેને ધમકી આપીને વીડિયો બનાવ્યો હતો. આ વખતે એક યુવકને ધમકી આપતા સમયે છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો નહીં પણ આખા ગુજરાતનો બાપ ગણાવ્યો હતો.
છાત્રપાલે જે યુવકનું અપહરણ કર્યું હતું તે યુવકે જણાવ્યું હતું કે, આજ પછી કોઈ પણ મેટરમાં હું નહીં આવું. છત્રપાલ બાપુની સામે હું માફી માગું અને હું આમાં કોઈ રોલ ભજવીશ નહીં અને રોલ ભજવતો પણ નહોતો. નહીંતર ફાયરીંગ થાય. છત્રપાલ બાપુ ગુજરાતના બાપ છે. કોઈ મેટરમાં હવે હું નહીં આવું.
અગાઉ છત્રપાલ વાળાએ એક પેટ્રોલપંપના સંચાલક પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માગતા કહ્યું હતું કે, અમરેલીનો બાપ છત્રપાલ વાળા બોલું છું અને પૈસા 10 લાખ રૂપિયા જોતા છે. 16 ગુના છે કદાચ SP નિર્લિપ્ત રાય પાસે 17મો ગુનો કરશું તો પણ ધોકા જ મારશે અને બીજા દિવસે જામીન પર છૂટી જઈશું. મોટો ગુનો એટલે મર્ડર તો કર્યું નથી. એટલે તમારા છોકરાની સુરક્ષા કોણ, એટલે 10 લાખ રૂપિયા આપવાના છે કે પછી પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરાવું.
મહત્ત્વની વાત છે કે, અમરેલીના SP તરીકે જ્યારથી નિર્લિપ્ત રાયની નિમણૂક થઇ છે ત્યારથી અસામાજિક તત્ત્વોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ છત્રપાલ વાળા જેવા ઇસમોને પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.
છત્રપાલ વાળાએ પેટ્રોલપંપના સંચાલકને ધમકી આપીને 10 લાખ માગવા બાબતે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું જાહેર રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. એક વખત ધરપકડ થયા બાદ સુધારવાના બદલે છત્રપાલ વાળાએ વધુ એક વખત એક યુવકનું કારમાં અપહરણ કરીને તેને ધમકાવીને પોલીસને વધુ એક વખત પડકાર ફેંક્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ છત્રપાલ વાળા નામના ઇસમ સામે શું કાર્યવાહી કરે છે.