સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું. પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આવતીકાલે બુધવારે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધરાશે. ત્યાર બાદ પણ નિર્ણય નહી આવે તો આગામી 9 માર્ચે એક લાખ થી વધુ શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો,ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારી પણ થઈ રહી છે.
શિક્ષકોના યુનિયન દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી દીધી હોવા છતાં હજી સુધી સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. જેના કારણે સુરતમાં આવતીકાલે શિક્ષકો દ્વારા મહા મતદાન, પેન ડાઉન અને ચોક ડાઉનના કાર્યક્રમ માટે તૈયારી કરી દેવામા આવી છે. ઉપરાંત મહાનગરના 44 કેન્દ્રો પર મતદાન કરવા અને તેના પોલીંગ સ્ટાફની પસંદગી કરવા બાબતે હોદ્દેદારો સાથે ચર્ચા કરી ઝોનલ અધિકારી તેમજ સબ ઝોનલ અધિકારીની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી હતી અને પોલિંગ સ્ટાફ અને મતદાનની ગણતરી માટે પણ કવાયત શરુ કરી મતદાન મથક પણ જાહેર કરી દેવામા આવ્યા છે.
આવતીકાલ બુધવારના મહા મતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ બાદ 7 અને 8 માર્ચના રોજ સરકાર સાથે ફરી વાટાઘાટ કરવામા આવશે. ત્યાર બાદ પણ જો સરકાર માંગણી નહી સ્વીકારે તો આગામી 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે. મા કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન એક લાખ થી વધુ શિક્ષક કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર પહોંચે તેવું આયોજન થઈ રહ્યું છે.