એક કહેવત છે કે, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે. આધુનિક યુગમાં પણ ભુવા અને તાંત્રીકોના ચક્કરમાં લોકો ફસાય છે અને તેમનો ભોગ બને છે. લાખો રૂપિયાની કિંમતના દાગીના સહિતની મુડી ગુમાવવાનો વારો આવે છે. આવા અનેક કિસ્સા બનવા છતા પણ લોકો ચેતતા નથી. 72 વર્ષનાં એક વૃદ્ધાએ 100 વર્ષ લાંબા દીર્ધાયું જીવન જીવવા અને ખેતીમાં સારી કમાણી કરવાની લાલચે તાંત્રીકની માયાજાળમાં આવી ગયા છે.
વૃદ્ધાએ લાખો રૂપિયા અને પોતાનાં સોનાના દાગીના ગુમાવવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાના દિપલી ફળિયામાં રહેતા અને જીવનનાં અંતિમ પડાવે પહોંચેલા 72 વર્ષીય નિર્મળાબેન ધાર્મિક વૃતિ ધરાવે છે. થોડા દિવસો અગાઉ બે યુવકો જલારામ મંદિર બનાવવાનાં લાભાર્થે ફાળો ઉઘરાવવા માટે આવ્યા હતા. માજીએ 1000 રૂપિયાનો ફાળો નોંધાવ્યો હતો.
જો કે ચાલાક ગઠીયાઓએ માજીને પારખીને તેમની દુખતી નસ દબાવી હતી. પોતે તાંત્રિક વિદ્યા જાણતા હોવાનું જણાવી તેમની સાથે અલગ અલગ વીધિ કરવાનાં બહાને ઠગાઇ ચાલુ કરી હતી. 10 હજારથી માંડી 50 હજાર રૂપિયા સુધીનાં નાણા પડાવવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત 6 તોલા જેટલા સોનાના દાગીના પણ પડાવ્યા હતા. બંન્નેએ માજીને 100 વર્ષ લાંબુ સ્વાસ્થય અને દીર્ધાયુ જીવન અને ખેતીમાં મબલખ આવકના આશિર્વાદ આપવાનાં બહાને વૃદ્ધા પાસેથી મોટી રકમ પડાવી હતી.