સરકાર અને તબીબી નિષ્ણાતો કહે છે કે કોરોના રસી લોકો માટે વરદાન અને આશીર્વાદરૂપ છે, સરકાર દૈનિક 1 લાખ લોકોને રસી આપવાનો દાવો પણ કરી રહી છે. જો કે, જમીની સ્તરે સરકારનો આ દાવો પોકળ સાબિત થઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લોકોને રસી મેળવવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે, પરંતુ રસી નથી મળી રહી.
અમદાવાદમાં લોકોને રસીની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. માનસી સર્કલ પાસે કામેશ્વર સ્કૂલની સામે રસી માટે લાંબી લાઈન જેવા મળી. જેમાં લોકો વહેલી સવારે રસી લેવા માટે લાઇનમાં ઉભા રહે છે.
રસીનો બીજો ડોઝ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા જોવા મળે છે. એક આધેડ વ્યક્તિ પગમાં ફ્રેકચર છતાં રસીનો બીજો ડોઝ લેવા છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યો છે. લોકો લાઈનમાં ઊભા રહીને કંટાળી જતા હતા અને હવે તેઓ બેસીને રસીકરણ માટે વારો આવે તેની પ્રતીક્ષા કરતા જણાયા.