ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા મેળવવા એક દરજી કોરોનાનો ખોટો દર્દી બની ગયો. મેડિક્લેઈમ મેળવવા આ વ્યક્તિએ પાડોશી ડોકટર સાથેના સંબંધોનો ગેરલાભ ઉઠાવ્યો. તેણે ડોક્ટરની હોસ્પિટલમાં જઈ લેટરપેડના ફોટો પાડી બનાવતી બનાવી મેડિક્લેઈમની ફાઇલ મૂકી હતી. જોકે ઇન્કવાયરી આવતા જ આ દરજીનો ભાંડો ફૂટી ગયો.
કોરોના મહામારીમાં અનેક એવા કાળા બજારીયાઓ ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરતા ઝડપાઈ રહ્યાં છે. પણ હવે કોરોનાના નામે એવા પણ લોકો છે જે રૂપિયા મેળવવા ખોટી રીતે મેડિક્લેઈમની ફાઇલ મૂકી રહ્યા છે. આવો જ એક કિસ્સો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સેટેલાઇટની શિવમ હૉસ્પિટલના ડોક્ટર 2008 થી પ્રેક્ટિસ કરે છે. બાજુમાં આવેલા લેડીઝ ટેલરની દુકાનમાં કામ કરતા શિવા પરમાર સાથે પાડોશીના સંબંધ બંધાયા હતા.
શિવાને કોરોના થતા તે આ ડોક્ટર પાસે ગયો અને દવા લીધી હતી. બાદમાં તેને ઘરે રહેવા ડોક્ટરે સલાહ આપી હતી. જોકે શિવા ઘરે સારવાર લેતા સાજો થઈ ગયો. પરંતુ તેને મેડિક્લેઈમ પાસ કરાવવા માટે નકલી ડોક્યુમેન્ટ બનાવી ઇન્સ્યોરન્સ કંપનીમાં મોકલ્યા હતા. બાદમાં આઈસીઆઈસીઆઈ બેંકનો કર્મી ડોક્ટરના ત્યાં મેડિક્લેઈમની ફાઇલ ઇન્ક્વાયરી કરવા આવતા આ ભાંડો ફૂટ્યો.
પેહલા તો ડોક્ટર ભાવેશ પણ બેન્ક કર્મીની વાત સાંભળીને ચોકી ગયા હતા. તપાસ કરી તો આરોપી શિવાએ ડોક્ટરના ત્યાં આવી કોઈ પેશન્ટની ફાઇલના ફોટો પાડી તેમાં એડિટિંગ કરી નકલી દાખલ થયાના ડોક્યુમેન્ટ બનાવડાવી દીધા હતાં. લેટરપેડ પણ ફરજી બનાવી સિક્કા બનાવડાવી ખોટી સહીઓ કરી તેણે મેડિક્લેઈમની ફાઇલ મૂકી દીધી હતી. જેથી ડોક્ટરે આ અંગે ફરિયાદ આપતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
આવી મહામારીમાં પણ કમાણી શોધવાનું લોકો છોડતા નથી. જોકે કંપની દ્વારા આ પ્રકારની યોગ્ય તપાસ કરવામાં આવે તો જ આવા લોકોના અસલ ચહેરા સામે આવે અને અન્ય લોકો આવા કૌભાંડ કરતા પણ ચેતી જાય.