અમદાવાદ કાપડ બજારના સાતથી આઠ વેપારીઓ પાસેથી મળીને રૂપિયા ૧.૧૭ કરોડથી વધુ રકમનું કાપડ લઈને લાઈક વોરિયર ટ્રેડિંગ કંપની અને એલ.એમ.જે લાઈફ સ્ટાઈલના માલિકો લલિત જગદીશ કુમાર દરજી, મનીષ જગદીશ કુમાર દરજી અને જગદીશ દરજી ફરાર થઈ ગયો હોવાની એક ફરિયાદ કરવામાં આવી છે.
અમદાવાદના કાપડ બજારના વેપારી પાસેથી રૂપિયા ૧૪.૩૬ લાખનો કોટન ફેબ્રિક્સ ખરીદ્યા બાદ ૯૦ દિવસના પેમેન્ટનો ગાળો વીતી ગયા પછીય પૈસા ન ચૂકવવાના ધાંધિયા કરતાં બે દલાલ અને માલ ખરીદનાર ત્રણ ઠગ વેપારી સામે સેક્ટર – ૨ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
આ ફરિયાદમાં જ અન્ય સાત વેપારીઓ સાથે પણ ઠગાઈ કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સંદીપ રસિકલાલ શાહે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કાપડ માર્કેટમાં દલાલીનું કામ કરતાં અને ત્રણ વર્ષથી તેમના સંપર્કમાં રહેલા લક્ષ્મણભાઈ ગણેશજી પરિહાર અને મોહન પ્રજાપતિ નામના બે દલાલોએ અમદાવાદના સુમેલ બિઝનેસ પાર્કમાં લાઈક વોરિયર ટ્રેડિંગ અને એલએમજી લાઈફ સ્ટાઈલ કંપની નામથી ઑફિસ ચલાવતા લલિત જગદીશકુમાર દરજી અને મનીષ જગદીશકુમાર દરજી અને જગદીશ દરજીનો પરિચય કરાવ્યો હતો. તેમણે પહેલા મારી પાસે પહેલા રૂપિયા ૧૦.૩૬ લાખનો માલ ખરીદ્યો હતો. તેનું પેમેન્ટ સમયસર ચેકથી કરી દીધું હતું.