કુદરતી મીઠાશ અને પૌષ્ટિક અમૃતફળ ગણાતી સૌરાષ્ટ્રની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરીના પાકને તોઉતે વાવાઝોડાએ ખેદાન મેદાન કરી નાંખ્યો છે. આ પહેલા સતત પખવાડિયા સુધી કમોસમી વરસાદથી પાકને આંશિક નુક્શાન થયું હતો ત્યારે આજે ૧૦૦થી ૧૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદથી ખેડૂતોને કેસર કેરી ઉપરાંત અન્ય ઉનાળુ પાકોને કરોડો રૂપિયાનું નુક્શાન ગયું છે.
જૂનાગઢમાં વેર્યો વિનાશ
જુનાગઢ ઉપરાંત વિસાવદર, મેંદરડા, માળીયા હાટીના, વંથલી, પંથકમાં કેરીનું વ્યાપક ઉત્પાદન થાય છે જ્યાં અગાઉ વારંવાર કમોસમી વરસાદ વરસતો રહ્યો હતો અને આજે વાવાઝોડાએ દાટ વાળી દીધો હતો. જુનાગઢથી અહેવાલ મૂજબ વર્ષમાં કેસર કેરીનો પાક એક જ વાર લેવાય છે અને તે સીઝન ટાણે જ વાવાઝોડુ આવતા કેરીનો સોથ વળી ગયો છે.
કેરી ઉપરાંત દરિયાકાંઠે આવેલ નારિયેળીના ઝાડ પણ ધરાશાયી થયા હતા તો કેળાના વૃક્ષોને પણ વ્યાપક નુક્શાન થયાનું જણાવાયું છે. જ્યારે આ સમયમાં વવાતા અડદ, મગ, તલ, બાજરા સહિતના પાકને પણ નુકશાન થયું છે. ખેડૂતોએ વ્યાપક નુક્શાનના પગલે તાકીદે સર્વે કરીને સરકાર સહાય આપે તેવી ભારપૂર્વક માંગણી કરી છે. ગીર સોમનાથ, વિસાવદર, જુનાગઢ, માળિયા હાટીના, અમરેલી પંથકમાં વધુ નુક્શાન.
15 લાખથી વધુ આંબાને લીધું ઝપેટમાં
કેરીના વેરી બનીને ત્રાટકેલ વાવાઝોડાએ તલાલા પંથકમાં ૧૩,૮૨૭ હેક્ટર જમીનમાં પથરાયેલા આશરે ૧૫ લાખથી વધુ આંબાના વૃક્ષોને ઝપેટમાં લીધા હતા અને અનેક આંબામાં કેરીઓ ખરી પડી તો ક્યાંક આખા આંબા જ ઉખડી ગયા હતા. આશરે કરોડોની કેરીને નુક્શાન થયાના તલાલાથી અહેવાલ છે.
મોટાભાગના આંબાની ડાળીઓ વાવાઝોડાના વિનાશક પવનની ઝપેટમાં ચીરાઈ ગઈ હતી, તૂટી ગઈ હતી. આવું નુક્શાન ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો વગેરેમાં પણ વ્યાપક રીતે થયું છે.