અત્યારે વર્તમાન સમયમાં યુવાધન નશાના રવાડે ચઢી રહ્યુ છે અને નશાના સોદાગરો યુવાઓને નશાની આદત લગાવીને હાલ કરોડો રૂપિયાની કાળી કમાણી કરી રહ્યા છે. હાલમાં બજારમાં પણ નશીલા પદાર્થોની માંગ વધતી જઈ રહી છે અને તેના કારણે જ સરકારના વિવિધ પ્રકારના પ્રતિબંધો હોવા છતાંપણ જુદા-જુદા માધ્યમોથી નશીલા પદાર્થોની હેરફેર કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સની હેરફેરનો એક કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના રૂરલ એસઓજીની ટીમે દેત્રોજમાંથી પાંચ કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપી ઇન્દ્રવદન બારોટ પાસેથી રૂ .50,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી અગાઉ મહેસાણામાં એનડીપીએસના ગુનામાં પકડાયો હતો પરંતુ બાદમાં એસઓજીની ટીમે તેને ગાંજા, કાર અને રોકડ સાથે ઝડપાયો છે.
જ્યારે આ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે સીમા પરથી ગાંજા જેવી દવાઓ ગુજરાતમાં કેવી રીતે પ્રવેશી રહ્યા છે તે અંગે અનેક સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ગાંજો કોણે મંગાવ્યો? અને ક્યાંથી આવ્યો? અને ક્યાં જઈ રહ્યો હતો? વધુ માહિતી તે અંગેની તો આગળની તપાસમાં જ ખૂલશે.