ગાંધીનગર : મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. અગાઉ પરિવારદીઠ એક કાર્ડ અપાતું હતું, પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. યોજનાના માપદંડો ધરાવતા લોકોને સહાયનો લાભ મળશે. સાથે જ કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પડાશે. આરોગ્ય મંત્રી નીતિન પટેલ આ માહિતી ટ્વીટ કરી છે.
આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે સરકારી હોસ્પિટલોમાં નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ એક પરિવારને મા અમૃતમ કાર્ડ આપવામાં આવતુ હતું.
પરંતુ હવે આરોગ્ય વિભાગે જાહેરાત કરી કે, હવે પરિવારદીઠ એક કાર્ડને બદલે દરેક લાભાર્થીને અલગ અલગ કાર્ડ આપવામાં આવશે.
તેમણે ટ્વીટમાં કહ્યું કે, હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે જેથી જરૂરિયાત પ્રમાણે 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકશે.