ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના બોગસ તબીબો હાટડીઓ ખોલી બેસી જાય છે. કયારેય આવા તબીબોના ઉંટવૈધુ સમી સારવાર દર્દીઓ માટે જોખમી સાબિત થતી હોય છે. પંચમહાલ એસઓજી (SOG) એ કાલોલ ના એરાલથી આવા જ બે બૉગસ તબીબોની 96 હજારની એલોપેથી દવા અને મેડિકલ ઇન્સ્ટુમેન્ટ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
ઝડપાયેલા બંને તબીબો પશ્ચિમ બંગાળના હોવાનું તેમજ તેઓ પાસે કોઈ માન્યતા પ્રાપ્ત ડીગ્રી નહિ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છેકે અગાઉ પણ એસઓજી (SOG) એ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવા બોગસ તબીબોને ઝડપી કાર્યવાહી કરી છે તેમ છતાં ડીગ્રી વગરના તબીબો અંતરિયાળ વિસ્તારોમાં આવી જમાવટ કરતા જોવાઇ રહ્યા છે.
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બોગસ તબીબો પોતાની હાટડીઓ ખોલી પોતાની પાસે ડીગ્રી નહિં હોવા છતાં દર્દીઓને એલોપેથી સારવાર આપી રહ્યા છે. એસઓજી દ્વારા સમયાંતરે કરવામાં આવતી તપાસ દરમિયાન આવા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
આવા બોગસ તબીબો ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને સસ્તી સારવાર આપવા સાથે સ્થાનિકોમાં વિશ્વાસ સંપાદિત કરી પોતાની હાટડીઓ ચાલુ રાખવામાં સફળ રહેતા હોય છે. કાલોલ તાલુકાના એરાલ ગામમાં બે પર પ્રાંતીય તબીબો માન્યતા પ્રાપ્ત ડીગ્રી વિના દવાખાનું ચલાવતા હોવાની એસઓજી શાખા ગોધરાને જાણકારી મળી હતી.
જે આધારે ટીમે તપાસ કરતાં સરનંદુ સુકલાલ હલદર અને ઉજ્જવલ હલદર ,પશ્ચિમ બંગાળ દ્વારા દવાખાના ચલાવવામાં આવતાં હોવાનું જણાય આવ્યું હતું. આ બંને તબીબો અહીં લાંબા સમયથી પોતાની હાટડી ચલાવી રહ્યા હતા.
એસઓજી દ્વારા કાલોલ તાલુકા આરોગ્ય અધિકારીને બોલાવી બંને તબીબોના પ્રમાણપત્ર અને મળી આવેલી દવાઓ અંગેની ખરાઈ કર્યા બાદ પોલીસે 96 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા બંને તબીબો સામે વેજલપુર પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટીસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.