ગુજરાતમાં 4 દિવસથી ઘટી રહેલા કોરોના કેસોની સંખ્યામાં આંશિક વધારો જોવા મળ્યો છે. જેમાં રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં 2 સપ્તાહ પછી એક દર્દીનું કોરોનાના લીધે મૃત્યુ થયું છે.
હવે માત્ર રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 159 થઈ ગઈ છે. રાજયઆ કોરોનાથી દર્દીઓના સાજા થવાનો દર 98.76 ટકા પર સ્થિર થયો છે.
જો મહાનગરોમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો સૌથી વધુ કેસ સુરતમાં 6 કેસ અને દાહોદમાં 5 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં 2-2 કેસ નોંધાયા છે. તેમજ ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો છે.
ગુજરાતના કોરોના રસીકરણની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.46 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 31 હજાર 869 લોકોને રસી અપાઇ.તો સુરતમાં 27 હજાર 389 લોકોનું રસીકરણ કરાયું.
જ્યારે વડોદરામાં 12 હજાર અને રાજકોટમાં 11 હજાર 960 લોકોને રસીના ડોઝ અપાયા છે. આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4 કરોડ 39 લાખ 78 હજારને પાર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતા જ શિક્ષણકાર્યની ગાડી ફરી ધીરે-ધીરે પાટે ચડી રહી છે.
જેમાં રાજ્ય સરકારે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં 20 હજારથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે તો 10 હજાર કરતા વધુ સ્વનિર્ભર પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થશે.