રાજસ્થાનમાં બાડમેરમાં કાર અને ટ્રક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ડીસાના સુથાર પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. સોમવારે જાસોલ ધામથી દર્શન કરી વતન પરત ફરી રહેલા ડીસાના પરિવારને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સિણદરી પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત થયો હતો.
ભુકા ગામ નજીક બપોરે બોલેરો કાર અને ટ્રક ધડાકાભેર ટકરાયા હતા. જેમાં બોલેરો જીપનો સંપૂર્ણ ભુક્કો બોલી ગયો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનના એસએચઓ બલદેવ રામના મતે ચાર વ્યક્તિના મોત થયા હતા જ્યારે પાંચ લોકોને ઈજા થઈ હતી. મૃતકોની ઓળખ ગોમતિ સુથાર, તેના પતિ ચેનાભાઈ સુથાર, ભાવના તેમજ કાનાભાઈ તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાં એક 17 વર્ષીય કિશોરીનો પણ સમાવેશ થાય છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને સિણધરી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકોના નામ(પોલીસના જણાવ્યા અનુસાર)
- ગોમતી સુથાર
- ચેનાભાઈ સુથાર
- ભાવનાબેન
- કાનાભાઈ
પોલીસ અધિકારી ચૌધરીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં દેવારામ સુથાર, કપૂરભાઈ સુથાર, ભરતભાઈ સુથાર, મોહનભાઈ સુથાર અને હિમાંક્ષીને સારવાર માટે સિણધરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ રાખવામાં આવ્યા છે. પરિવારજનોના અહીં પહોંચવા પર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.