ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નવા શૈક્ષણિક સત્રને શરૂ કરવા મામલે સ્પષ્ટતા કરી દેવાઈ છે. ત્યારે 7 જુનથી રાજ્યભરની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે. ઓનલાઈન અભ્યાસ માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે. આવામાં 7 જુનથી શરુ થતા નવા શૈક્ષણિક સત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી.
ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચ્યા નથી
શાળાઓ પોતે જ પુસ્તકો મેળવવાથી વંચિત છે, આવામાં બાળકો સુધી પુસ્તકો પહોંચ્યા નથી. ગાંધીનગર સ્થિત પાઠ્ય પુસ્તક મહામંડળ દ્વારા પુસ્તકો તમામ સ્કુલ બોર્ડની શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ મોકલવામાં આવતા હોય છે. જો કે આ વર્ષે નવું સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. એવામાં પણ ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી.
હજુ સુધી પુસ્તકો અમને મળ્યા નથી – શિક્ષણ મંડળ
આગામી 7 જુનથી એટલે કે ત્રણ દિવસ બાદ શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની છે. આવામાં પુસ્તકો વગર કેવી રીતે ઓનલાઈન અભ્યાસ કરાવી શકાશે તે મોટો પ્રશ્ન પેદા થયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શિક્ષક મહામંડળના પ્રમુખે મનોજ પટેલ કહ્યું કે, પુસ્તકો વગર ઓનલાઈન અભ્યાસ શક્ય નથી, કેમકે બાળકોને કોન્સેપ્ટ સમજાવવા માટે સામે પુસ્તક જરૂરી હોય છે. જો કે હજુ સુધી પુસ્તકો અમને મળ્યા નથી. જેવા મળશે તુરંત જ અમે પુસ્તકો બાળક સુધી પહોંચાડીશું.