પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે. આ વાત ખુદ રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન નિમિષા સુથારે સ્વીકારી છે. નિમિષા સુથાર આજે ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.
જ્યાં કઈ કઈ સુવિધાઓનો અભાવ છે તે અંગે નિમિષા સુથારને રજૂઆત કરવામાં આવી. હોસ્પિટલમાં લિફ્ટ, જનરેટર, સોનોગ્રાફી, MRI, સિટીસ્કેન સહિતની સુવિધાઓનો અભાવ છે.જેના કારણે દર્દીઓને કેવી મુશ્કેલી પડી રહી છે તે અંગે પણ તેમને અવગત કરાયા.
આ સિવાય પીડિયાટ્રિક વોર્ડમાં પણ દર્દીઓને ખૂબ અગવડ પડતી હોવાની અને સ્ટાફ ઉદ્ધતાઈથી વર્તન કરતો હોવાની રજૂઆત કરવામાં આવી. સાથે જ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ, ગ્રાન્ટની ઘટ, સફાઈનો અભાવ સહિતની અનેક સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી.
સ્ટાફ અને સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લેતા નિમિષા સુથારે ખાતરી આપી છે કે રાજ્યકક્ષાએથી મંજૂરી મેળવીને 15 દિવસમાં જ સુવિધાઓ સુધારવા અને વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. મંત્રીએ ખુદ સ્વીકાર્યું કે સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ, જનરેટર, સહિતની સુવિધાઓનો અભાવ છે.
તેમણે સિવિલ હોસ્પિટલમાં ચાલતા અંધેર વહીવટની સમીક્ષા પણ કરી હતી. સાથે જ દરેક વોર્ડમાં મુલાકાત કરીને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. સાથે જ દર્દીઓને તમામ સુવિધા મળે તે માટે ડોક્ટરોને સુચન પણ કર્યું હતું. મંત્રીએ સિવિલ હોસ્પિટલની તમામ સમસ્યાનું 15 દિવસમાં નિરાકરણ લાવવાની પણ ખાકરી આપી છે.