સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યૂષા ગરિમેલાનું શનિવાર, 11 જૂનના રોજ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. 35 વર્ષીય પ્રત્યૂષાની લાશ તેલંગાનાના બંજારા હિલ્સ સ્થિત ઘરમાંથી મળી હતી. પોલીસે શંકાસ્પદ મોતનો કેસ દાખલ કર્યો છે. પ્રત્યૂષા દેશની ટોપ 30 ફેશન ડિઝાઇનર્સમાંથી એક હતી. માનવામાં આવે છે કે કાર્બન મોનોક્સાઇડ ગેસ સૂંઘવાથી પ્રત્યૂષાનું મોત થયું છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે. લાશને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલ મોકલવામાં આવી છે. પ્રત્યૂષા ડિપ્રેશનથી પીડાતી હતી.
બંજારા પોલીસે કહ્યું હતું કે પ્રત્યૂષાના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી છે. આ નોટમાં કોઈના પર આક્ષેપ કરવામાં આવ્યો નથી. ડિઝાઇનરે કહ્યું હતું, ‘હું એકલી હોઉં તેમ લાગતું હતું અને ડિપ્રેશનમાં છું.’ માનવામાં આવે છે કે તેણે આત્મહત્યા કરી છે. જોકે, હજી સુધી આ અંગે કંઈ જ કન્ફર્મ થયું નથી. પોલીસને આ ઘટના જાણ પ્રત્યૂષાના સિક્યોરિટી ગાર્ડે આપી હતી. ગાર્ડે જ્યારે પ્રત્યૂષાને બોલાવી અને કોઈ જવાબ ના મળ્યો તો તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ દરવાજો તોડીને ઘરની અંદર ગઈ હતી. બાથરૂમમાં પ્રત્યૂષાની લાશ મળી હતી. પોલીસે તરત જ ફેશન ડિઝાઇનરના પરિવાર તથા મિત્રોને આ અંગે જાણ કરી હતી.