સુરત : સુરત ના વરાછા વિસ્તારમાં હાલના મહિલા કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરો વચ્ચે જાહેરમાં શાબ્દિક તડાફડીનો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો. બંને મહિલા નગર સેવકો શબ્દોની મર્યાદા ભૂલી જાહેરમાં એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.
સુરત ના વરાછા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૧૫માં આવેલી વર્ષા સોસાયટી નજીક ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સ્થાનિક પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન મહિલા નગર સેવક રૂપા પંડ્યા પણ હાજર રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમ્યાન બંને મહિલાઓ જાહેરમાં શાબ્દિક પ્રહારો શરૂ કર્યા હતા.
બંને મહિલાઓએ એકબીજા પર શાબ્દિક પસ્તાળ પાડી હતી. એટલું જ એક મહિલા કોર્પોરેટરે બીજા મહિલા કોર્પોરેટર સામે પૈસા ખાધા હોવાનો સીધો આક્ષેપ કરી દીધો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે. બંને મહિલાઓ ભાન ભૂલીને શબ્દોની મર્યાદાને નેવે મૂકી દીધી હતી. જેને લઈને ત્યાં હાજર લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આ વિડીયો વાયરલ થતા સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.