Tue. Dec 24th, 2024

બોરસદમાં પેસેન્જર ભરેલી બસ ધડાકા સાથે ઘૂસી ગઈ ઘરમાં

બોરસદમાં પેસેન્જર ભરેલી ખાનગી બસ સંસ્કાર નગરી સોસાયટીના રહેણાંક મકાનમા ધડાકાભેર બસ ઘુસી ગઈ હતી. આ ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. મકાનની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. જોકે, આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બસનો અકસ્માત જોઇ શકાય છે.

વિગત મુજબ, બોરસદ રોડ ઉપર આવેલા વહેરા ગામની સંસ્કાર સોસાયટીમાં વહેલી પરોઢે તમામ લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક મેહુલ ઈશ્વરભાઈ પટેલના ઘરમાં એક ખાનગી લકઝરી બસ ઘુસી ગઈ હતી. 35 થી વધું પેસેન્જરને લઈને મુંબઈ થી ભાવનગર જતી આ બસ અચાનક ઘરમાં ઘુસી જતા રહેણાંક વિસ્તારના નાગરિકો અને પેસેન્જરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. તેને લઈ ડ્રાઈવર અને ગાડી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

 

સ્થાનિકોના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને મુંબઈ થી સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ખાનગી બસો ડાભાસી ખાતે આવેલા ટોલનાકાની રકમ બચાવવા આવી રીતે અંતરિયાળ ગામમાંથી પેસેન્જરોનો જીવ જોખમમાં મૂકી પસાર થાય છે. ડભાસી ટોલ નાકે રકમ ભરવી ન પડે તે માટે વહેરા, કાવીઠા ગામ થઈ પેટલાડના માણેજ તરફ નીકળે છે.

અન્ય એક સ્થાનિકે ગંભીર બાબત તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે, આ ખાનગી બસ જો આ ઘરમાં ન ઘુસાડી હોત તો ત્યાં નજીક જ આવેલી ઈલેક્ટ્રિક ડીપીમાં પટકાઈ હોત અને મોટી દુર્ધટના સર્જાઈ હોત. ટોલની રકમ બચાવવા અથવા અન્ય કારણોસર આ રીતે બસ ચલાવનારા બસ સંચાલકો અને ડ્રાઈવરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ સ્થાનિકોમાં ઉઠી છે. મહત્વનું છે કે, બોરસદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Related Post

Verified by MonsterInsights