ભારતમાં આઈપીએલમાં કોઈ ખેલાડી 14 થી 15 કરોડ રુપિયામાં ખરીદાય છે તો તેને લઈને ભારે ચર્ચા થતી હોય છે પણ ફૂટબોલ જગતના સુપર સ્ટાર્સ માટે જે બોલી લાગે છે તેની આગળ ક્રિકેટરોની કોઈ વિસાત નથી.આર્જેન્ટિનાના અને દુનિયાના પણ દિગ્ગજ ફૂટબોલ પ્લેયર લિયોનલ મેસી ની ટીમ બાર્સેલોના હવે સ્પેનિશ ફૂટબોલ લીગ જીતવા માટેની રેસમાથી બહાર થઈ ગઈ છે.આ લીગમાં બાર્સેલોનાનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ છે. જોકે એ પછી પણ મેસીની બોલબાલા ઘટી નથી અને ઉલટાનુ તેની ડીમાન્ડ વધી રહી છે.
માન્ચેસ્ટર સિટી મેસીને 300 કરોડ રુપિયા સુધી આપવા માટે તૈયાર
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે માન્ચેસ્ટર સિટી તેમાં સૌથી આગળ છે. તે મેસી સાથે એક વર્ષનો કરાર કરવા માંગે છે અને તેના બદલમાં તે મેસીને 25 મિલિયન પાઉન્ડ એટલે કે 300 કરોડ રુપિયા સુધી આપવા માટે તૈયાર છે. જો મેસી આ કરાર કરશે તો તે પ્રીમિયર લિગના ઈતિહાસમાં સૌથી વધારે રકમ મેળવનાર ખેલાડી બની જશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે મેસીએ ટીમના મેનેજર સાથે વાતચીત પણ કરી છે. તો બીજી તરફ બાર્સેલોનાના મેનેજર રોનાલ્ડ કેમેનનુ કહેવુ છે કે, મેસી બાર્સેલોના છોડીને બીજે ક્યાંય નહીં જાય. હા આ બાબતે અંતિમ નિર્ણય મેસીને કરવાનો છે.
ફૂટબોલ ક્લબો મેસીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઉત્સુક
બાર્સેલોના ક્લબ સાથેનો મેસીનો કરાર પૂરો થવાનો છે. હવે આ કરારને આગળ વધારાશે કે નહીં તેની જાહેરાત હજી થઈ નથી. મેસી હવે નવી ક્લબ સાથે રમવા માટે કરાર કરશે કે કેમ તે પણ હજી નક્કી નથી પણ કેટલીક ફૂટબોલ ક્લબો અત્યારથી મેસીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઉત્સુક છે. જેમાં બ્રિટિશ કલબ માન્ચેસ્ટર સિટી, માન્ચેસ્ટર યુનાઈેડ અને ફ્રાન્સની ક્લબ પેરિસ સેન્ટ જર્મેન વચ્ચે મુકાબલો છે.