રાજકોટ : શ્રાવણ મહિનાના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધ્યા છે.રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં 15 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2465 રૂપિયાથી વધીને 2490 પહોચ્યો છે. તો કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 30 રૂપિયા વધી ગયા છે. તો પામોલિન તેલમાં પણ ડબ્બાદીઠ 25 રૂપિયા વધી ગયા છે.પામોલિન તેલના ડબ્બાનો ભાવ બે હજારને પાર થઈ ગયો છે.
મોંઘવારીમાં પિસાતી જનતા રાંધણ ગેસ, દૂધ, પેટ્રોલ, ડીઝલના ભાવથી પહેલાથી જ પરેશાન છે, જે બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.શ્રાવણના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
ડિસેમ્બર સુધી ભાવ નહિ ઘટે-વેપારી
સિંગતેલના વેપારી ભાવેશ પોપટનું કહેવું છે કે સિંગતેલના ભાવ નવેમ્બર ડિસેમ્બર સુધી ઘટે તેવી કોઇ શક્યતા નથી.હાલમાં મગફળીની આવક ઓછી છે.બજારમાં ક્યાંય મગફળીનો જથ્થો ઉપલબ્ધ નથી જે જથ્થો છે તે ભેજવાળો છે અને સૂકી મગફળીના ભાવ ઉંચા છે જેથી આ ભાવ વધારો થયો છે.
બીજી તરફ મગફળી સિવાયના કપાસિયા તેલ,સોયાબીન તેલ અને પામોલીન તેલમાં પણ તેજી આવી છે જેના કારણે સિંગતેલના ભાવમાં પણ તેજી આવી રહી છે.જો સારો વરસાદ થાય અને મગફળીનું ઉત્પાદન સારૂ થાય તો ભાવમાં ઘટાડો થઇ શકે છે જો કે તહેવારોની સિઝનમાં મોંધવારીનો ડામ લાગી શકે છે.