ગાંધીનગર : કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 26 જેટલા સિનિયર આઇએએસ અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે. જો કે, આ અગાઉ સરકાર દ્વારા મે મહિનામાં 9 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા સિનિયર IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પાસેથી રેવેન્યુ ચાર્જ લેવાયો જ્યારે હોમ ડિપાર્ટમેન્ટનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને શ્રમ અને રોજગારમાંથી પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા પાસેથી વન પર્યાવરણ વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની જવાબદારી સોંપાઈ છે.
અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને પંચાયત વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે. અધિક મુખ્ય સચિવ સુનૈયના તોમરને ઉર્જા અને પેટ્રો કેમિકલ્સમાંથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મુકાયા છે.
અધિક મુખ્ય સચિવ કમલ દાયાણીને સામાન્ય વહિવટ વિભાગમાંથી બદલી કરી મહેસુલ વિભાગની જવાબદારી સોંપાઈ છે. સીએમઓમાં રહેલા અધિક મુખ્ય સચિવ એમ. કે દાસને વાહનવ્યવહાર વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
જયંતી રવિના સ્થાને મનોજ અગ્રવાલને નવા આરોગ્ય અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ વિજય નહેરાને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં મુકવામાં આવ્યા છે. રમેશ ચંદ્ર મીણાને સ્પીપાના ડાયરેટર તરીકે નિમાયા છે. એકે સોલંકીને વન અને પર્યાવરણ વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સોનલ મિશ્રાની ગ્રામ્ય વિકાસમાં બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત મમતા વર્મા, હરીત શુક્લા, રૂપવંતસિંહ, સ્વરૂપ પી, મનિષા ચંદ્રા, બંછાનિધી પાની, હર્ષદ કુમાર રતિલાલ પટેલ, પોનુગુમાતલા ભારતી, રંજીત કુમાર જે, કે. કે. નિરાલા, એચ. કે. પટેલ અને એસ.એચ પટેલની બદલી કરવામાં આવી છે.