કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ મૂંઝવાયા છે. આવામાં વડોદરામાં એક વિદ્યાર્થીના આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન એક્ઝામના ચાર કલાક પહેલા જ 19 વર્ષના વિદ્યાર્થીએ 9 મા માળેથી કૂદકો મારીને મોત વ્હાલુ કર્યું છે. ત્યારે પુત્રને ગુમાવ્યાની જાણ થતા જ માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ બુધવારનો છે. રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રિજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. આ પરિવાર ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ભદ્રલોક ફ્લેટના 9 મા માળે રહે છે. તેમનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં કોરોનાના કારણે તે વડોદરામાં ઘરે આવ્યો હતો. તેનો ઓનલાઇન અભ્યાસ ચાલુ હતો. બુધવારે બપોરે 2 વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. પરંતુ તે પહેલા સવારે 10 વાગ્યે તેણે 9 મા માળની ગેલેરીમાંથી નીચે કૂદકો માર્યો હતો. આટલે ઊંચેથી પટકાતા જ આયુષનું મોત નિપજ્યું હતું.
આયુષે કેમ આવુ પગલુ ભર્યું તે જાણવા મળ્યું નથી. કારણ કે, તેના રૂમમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી. તેથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. IIM અને UPSC કરવાના ખ્વાબ જોતા આયુષે કેમ આવુ પગલુ ભર્યું તે મામલે પરિવાર પણ અજાણ છે. સિક્યુરિટી ગાર્ડે ઘટનાથી વાકેફ કરતા પરિવારના હોશ ઉડી ગયા હતા. તેઓ રડતા રડતા નીચે દોડી આવ્યા હતા. પોતાના વ્હાલસોયા દીકરાની આવી હાલત જોઈને માતાપિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.