રાજ્યમાં દારુબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ ઘણી વખત પોલીસકર્મીઓ જ દારુના નશાની હાલતમાં પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના વડોદરાના ફતેપુરા વિસ્તારમાં સામે આવી છે. જ્યારે દબાણ હટાવવાની કામગીરી સમયે લોકોએ નશાની હાલતમાં રહેલા પોલીસકર્મીને ભગાડ્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે, આ પ્રકારની કોઈ પણ ઘટના બની નથી.
રિપોર્ટ અનુસાર વડોદરાના ફતેપુરા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે અજબડી મિલ નજીક રહેતો કબીર મકરાણી નામનો યુવક આ જગ્યા પરથી પસાર થઇ રહ્યો હતી. તે સમયે તેના ધ્યાન પર આવ્યું કે એક પોલીસકર્મી લોકોને માર મારી રહ્યો છે. તેથી આ યુવક તે પોલીસકર્મીની પાસે ગયો અને તેના મોબાઈલમાં શૂટિંગ ઉતારવાનું શરૂ કર્યું. ત્યારબાદ કબીર નામના યુવકે પોલીસકર્મીને પૂછ્યું કે, તમે દારુ પીધેલા છો, તમારું માસ્ક ઉતારો. આ ઘટનાને લઇને આસપાસના સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. તેથી નશાની હાલતમાં રહેલા પોલીસકર્મીને ઘટના સ્થળ પરથી ભાગવાનો વારો આવ્યો હતો. કબીર મકરાણી દ્વારા આક્ષેપ કર્યો છે કે, નશાની હાલતમાં રહેલા પોલીસકર્મીનું નામ ત્રિભોવન હોવાનું સામે આવ્યું છે.
તો બીજી તરફ આ ઘટનાને લઈને સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI પાંડોરની પ્રતિક્રિયા લેવામાં આવી તે સમયે તેમને સ્પષ્ટ પણે કહ્યું કહી દીધું કે આ પ્રકારની કોઈ પણ ઘટના બની જ નથી. તો બીજી તરફ વાયરલ થયેલા વીડિયો અને ફોટોને લઇને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ આ પોલીસકર્મીની સામે પગલાં લેવાની માગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે પણ અવાર નવાર લાખો રૂપિયાનો દારુ ગુજરાતમાંથી પકડાય છે. તો કેટલીક વખત પોલીસકર્મીઓ જ દારુની સપ્લાય કરતા પકડાય છે. ત્યારે સવાલ એજ થાય છે કે, દારૂબંધીના કાયદાનું પાલન કરાવતી પોલીસ જ આ પ્રકારે નિયમોનો ભંગ કરતી હોય તો કઈ રીતે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થશે?