વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા પહેલા વરસાદે નુકસાની સર્જી છે. વરસાદને લઈ રસ્તાઓ પાણી-પાણી થઈ જ ગયા, પરંતુ અનેક વિસ્તારોમા પાણી ભરાવાની સ્થિતિ થઈ હતી. તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. જોકે, વરસાદના આગમનથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. પ્રથમ વરસાદ બાદ શહેરના બંને અંડર પાસમાં પાણી ભરાયા છે. છીપવાડ અંડર પાસ અને મોગરવાડી અંડર પાસમાં પાણી ભરાતા સવારે નોકરીએ જવા નીકળેલા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.