ભરત બારૈયા વલ્લભીપુર: પડતર માંગણીઓને લઈને રાજ્યભરના તલાટી મંત્રીઓ શ્રેણીબદ્ધ આંદોલનો ચલાવી રહ્યા છે. સમયાંતરે ચલાવાતા આંદોલન અંતર્ગત શુક્રવારે વલ્લભીપુર શહેરમાં તલાટી મંત્રીઓએ માસ સી.એલ. પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો જેવા કે, ૨૦૦૪થી ૨૦૦૬ના નિમણૂક પામેલ ઘણાં તલાટી કમ મંત્રીના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી અને પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણના લાભો, ૧૧/૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણાની દરખાસ્તો બાબતે યોગા નિર્ણય લઈ મંજુર કરવામાં આવે. રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા, મહેસુલ વિભાગના ૨૦૧૭માં થયેલ પરિપત્રનો અમલ કરવો અને રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની માંગ સામેલ છે.
આ ઉપરાંત ૨૦૦૬માં નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીને ૨૦૧૭ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી પ્રથમ ઉચ્ચાર ધોરણ મંજૂર કરવામાં આવે. આંતર જિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવા નીતિ નક્કી કરવામાં આવે. પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગોની વધારાની કામગીરી ના સોંપવામાં આવે. તલાટી કમ મંત્રીને ફરજ મોકૂફી કરવા માટેની ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે. ફરજ મોકૂફ તલાટી કમ મંત્રીઓના કિસ્સામાં તપાસ ઝડપથી પૂર્ણ કરી પુનઃનિયુક્ત કરવામાં આવે. તલાટી કમ મંત્રી ઉપર વારંવાર થતા હુમલા રોકવા કાયદાકીય રક્ષણ આપવામાં આવે. તલાટી કમ મંત્રીનું નવીન મહેકમ મંજુર કરી નવી ભરતી કરી ‘‘એક ગામ એક તલાટી’’ની નિમણૂક કરવામાં આવે. આવી પડતર માંગણીઓને લઈને તલાટી-મંત્રીઓ આજે રાજ્યભરમાં માસ સી.એલ પર ઉતર્યા છે અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તથા મહેસુલી કામગીરીનો આજથી બહિષ્કાર કરવામાં આવ્યો છે.