ઔદ્યોગિક નગરી વાપીની અને આસપાસના વિસ્તારમાં જાહેર રસ્તા ઉપરથી પસાર થતી મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાની ચેઇન ખેચીને તરખાટ મચાવતી એક રીઢા ગુનેગારોની ગેંગને વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે દબોચી લીધી છે. વાપીમાં કેટલાક સમયથી ધૂમ સ્ટાઈલથી બાઈક પર આવીને વાપીમાં કેટલાક સમયથી સૂમસાન રસ્તા પર પસાર થતા વૃદ્ધો અને મહિલાઓ ભારે પરેશાન હતા.

એક બાઈક અચાનક તેમની પાસે આવી તેમના ગળામાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ જતા હતા. ત્યારે પોલીસ માટે પડકાર બનતા વલસાડ એસઓજીએ આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી. એસઓજીની ટીમે ગેંગના બે મુખ્ય સૂત્રધાર અને સોનાની ચેન સ્નેચિંગ કર્યા બાદ ચોરીના આ મુદ્દામાલને ખરીદનાર જ્વેલર્સને પણ દબોચી લીધો છે. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરતા ચેઈન સ્નેચિંગના 4 ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આથી પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી જયસિંહ યાદવ અને પંકજ ઉર્ફે પંકિયો અને ચોરીનો મુદ્દામાલ ખરીદનાર જ્વેલર્સનો માલિક ચંદ્રભાણસિંહ ચૂડાવતની ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી પોલીસે ચેઇન સ્નેચિંગ કરેલી સોનાની ચેઈન, રોકડ રકમ મોબાઈલ અને ચેઈન સ્નેચિંગ માટે વપરાતું મોટરસાયકલ સહિત અંદાજે 1.64 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેયને ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.

બનાવની વિગતે વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં જાહેર રસ્તા પરથી એકલ દોકલ પસાર થતી મહિલાઓના ગળામાંથી ચેઈન અને મંગળસૂત્ર ખેંચી જવાના બનાવો વધી રહ્યા હતા. ધૂમ સ્ટાઈલમાં વાપીના જાહેર રસ્તાઓ પરથી બાઈક ચલાવી અને ચેઈન સ્નેચિંગ કરી આંખના પલકારામાં જ ફરાર થઈ જતી આ ગેંગને ઝડપવા વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસ ટીમ કામે લાગી હતી. એસઓજી પીઆઇ વી.બી. બારડ અને તેમની ટીમના પીએસઆઇ કે .જે. રાઠોડ અને એલ .જી. રાઠોડ સહિતની ટીમે આ ગેંગને ઝબ્બે કરવા વાપી શહેરના જાહેર રસ્તાઓ ઉપર અને બજારોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં આ ગેંગની મોડસ ઓપરેન્ડી તપાસી હતી.

આ ગેંગ કયા વાહનનો ઉપયોગ કરે છે, સાથે જ કેવા મોડેસ ઓપરેન્ડીથી મહિલાઓને શિકાર બનાવે છે, ચોરી બાદ કયા વિસ્તારમાં ફરાર થઈ જાય છે, આ તમામ હકીકતો જાણવા એસઓજીની ટીમે વાપી શહેરના અસંખ્ય સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા. આખરે ટીમને બાતમી મળતા વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા હરિયા પાર્કના ગેટ પાસેથી આ ચેઈન સ્નેચિંગ કરીને તરખાટ મચાવતી રીઢા ગુનેગારની ગેંગની માહિતી મળી હતી.

આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતાં રીઢા ગુનેગારોએ પણ પોપટની જેમ પોતાના ગુનાઓ કબૂલી લીધા હતા. અત્યાર સુધી વાપી અને આસપાસના વિસ્તારમાં આ ગેંગ એ આચરેલા ચેઈન સ્નેચિંગના 4 ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસની આગવી ઢબે પૂછપરછમાં ગેંગનો મુખ્ય ભેજાબાજ એવો જયસિંહ ઉર્ફે જય વાપી સહિત પડોશી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ અનેક તેના કારનામા અગાઉ પણ 11 ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. હજી પણ આરોપીઓની આગામી સમયમાં રિમાન્ડ દરમિયાન ચોરી અને ચેઈન સ્નેચીંગના અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights