અમદાવાદ : કોરોનાના કારણે ઓનલાઈન શિક્ષણ અને ત્યારબાદ ટેલીકોન્ફરન્સથી કંટાળી ગયેલા શિક્ષકોએ હવે અમને ભણાવવા દો અભિયાન શરૂ કર્યું છે. ટેલીકોન્ફરન્સને લીધે વારંવાર શિક્ષકોનો સમય બગડે છે અને કલાસરૂમમાં બાળકોને ભણાવી શકતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે આક્ષેપ કર્યો છે કે શિક્ષકો વારંવાર ટેલિકોન્ફરન્સમાં સામેલ થાય છે. સપ્ટેમ્બરમાં, શિક્ષકોને 11 ટેલિકોન્ફરન્સમાં હાજરી આપવાની સૂચના આપવામાં આવી હતી. શિક્ષકોએ અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ ટેલીકોન્ફરન્સમાં હાજરી આપવી પડે છે. જે શિક્ષકોનો સમય અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડે છે.
તો બીજી તરફ અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકોને BLO ની કામગીરી સોંપવામાં આવતા શિક્ષક મંડળે વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલ બોર્ડના 1200 શિક્ષકોને ચૂંટણી પંચ દ્વારા બીએલોની કામગીરી કરવાના હુકમ કરવામાં આવ્યા છે. જેને લઈને મ્યુનિસિપલ શિક્ષક મંડળે ચૂંટણી પંચને રજુઆત કરી છે. બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા માગ કરી છે. શિક્ષક મંડળે આક્ષેપ કર્યો છે કે, આરટીઇની જોગવાઈ વિરૂદ્ધ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. એકના એક શિક્ષકોને વારંવાર કામગીરી સોંપાય છે. સાથે જ રોટેશન પદ્ધતિનો અમલ કરવામાં આવતો નથી.