સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક મોર્નિંગ વોક કરી રહેલા એક વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મોર્નિંગ વોક કરી રહેલા વેપારી પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં વેપારીને ખભાના ભાગે ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ અને એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઇ છે. જોકે, સામાન્ય રીતે આ વિસ્તારમાં આવી ઘટના પહેલા કોઈ દિવસ બની નથી ત્યારે ફાયરિંગના પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસે આ ઘટના મામલે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.