Sat. Dec 21st, 2024

સુરત અને તાપીના 2.50 લાખ પશુપાલકોને લાભ મળશે, Sumul Dairy એ પશુપાલકો માટે બોનસ જાહેર કર્યું

સુમુલ ડેરીની બેઠકમાં પશુપાલકોને કિલોફેટે 86 રૂપિયા બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી કુલ 227 કરોડ જેટલી રકમ સુમુલના પશુપાલકોને ચુકવવામાં આવશે.

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા સમયે સુમુલ ડેરીએ તેના પશુપાલકો માટે બોનસ જાહેર કરતા પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આજે સુમુલ ડેરીની માસિક બોર્ડની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઇ હતી. જેમાં પશુપાલકોને કિલોફેટે 86 રૂપિયા બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી કુલ 227 કરોડ જેટલી રકમ સુમુલના પશુપાલકોને ચુકવવામાં આવશે.

સુમુલ ડેરીના ડિરેકટર જયેશ પટેલે જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીના સમયમાં સુમુલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી ખૂબ ફાયદો થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે દૂધ પણ ઓછું વેચાયુ છે. છતાં પશુપાલકોનું ધ્યાન રાખીને સુમુલ ડેરીએ તેમને પ્રતિ કિલો ફેટ 86 રૂપિયાનું બોનસ આપવાનું નક્કી કર્યું છે.

દૂધ મંડળીઓના ખાતામાં 4 જૂને 227 કરોડ જેટલી માતબર રકમ જમા કરાવવામાં આવશે. કોરોનાના સમયમાં પશુપાલકોને આર્થિક રીતે પગભર થવા માટે આ રકમ ઉપયોગી નીવડશે. ગત વર્ષે પણ પ્રતિ કિલો ફેટ 85 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ વર્ષે પ્રતિ કિલો ફેટ 86 રૂપિયા આપવાનું ઠરાવવામાં આવ્યું છે.

કોરોના અને લોકડાઉનના સમયમાં પશુપાલકોએ ઘણું નુકશાન વેઠયું છે. પણ હવે જ્યારે આ બોનસની જાહેરાત કરવામાં આવી છે તેનાથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને તેનો ફાયદો મળશે. વર્ષ 2019 માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 80, 2020 માં પ્રતિકીલો ફેટ 85 અને હવે 2021 માં પ્રતિકિલો ફેટ 86 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related Post

Verified by MonsterInsights