સુરત : એક સમયે ભાજપ માંથી જ કોર્પોરેટર અને બાદમાં ધારાસભ્ય બન્યા પછી બાદમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે બળવો કરીને કોંગ્રેસ માં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા ફરીવાર આગામી દિવસોમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે. ધીરુભાઈ ગજેરાના ભાજપમાં જોડાણને પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પોતે ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતને ખુદ ધીરુ ગજેરા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.
મૂળ જનસંધી ધીરુ ગજેરા પહેલા કોર્પોરેટર બન્યા હતા અને બાદમાં 1995માં ભાજપમાં જોડાઈને ધારાસભ્ય પણ બન્યા હતા. પરંતુ 200 કરોડના જમીન વિવાદમાં સપડાયા હતા અને જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેનો વિરોધ પણ કર્યો હતો. અને બાદમાં ભાજપમાંથી બળવો કરીને તેઓ 2007માં કોંગ્રેસમાં જોડાયા હતા.
ધીરુ ગજેરા 2007માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડયા હતા , ત્યારબાદ 2009માં સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બાદમાં 2017માં પણ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડયા હતા પરંતુ જીતી શક્યા ન હતા. ધીરુ ગજેરા દ્વારા કોંગ્રેસમાં પણ પક્ષને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા, અને બાદમાં કોંગ્રેસમાં નિષ્ક્રિય થઈ ગયા હતા.
આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ ધીરુ ગજેરા ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની ચર્ચા ઉઠી હતી, પરંતુ તે સમયે ધીરુ ગજેરા ભાજપમાં જોડાયા ન હતા. જોકે હવે વિધાનસભા ચૂંટણી નજીક આવતાં ફરી એકવાર ધીરુ ગજેરાએ ભાજપનો કેસરિયો ખેસ પહેરવાનો નિર્ણય લીધો છે.