સુરત શહેરમાં કોરોના વેક્સિનનેશન માટે 173 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં કોવિશિલ્ડ વેક્સિનના પ્રથમ ડોઝ માટે 80 સેન્ટરો અને બીજા ડોઝ માટે 80 સેન્ટરો કાર્યરત છે. ઉપરાંત કોવેક્સિન માટે ત્રણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને વિદેશ જતા નાગરિકો માટે એક કેન્દ્રો શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ લોકોને વેક્સિનના અપર્યાપ્ત જથ્થાને પગલે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
તંત્ર દ્વારા શહેરના વેપારીઓને ફરજીયાત રસી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ વેક્સિન સેન્ટરો પર વેક્સિનની અછતથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેક્સિનને લઈને સુરતવાસીઓ જાગૃત જોવા મળી રહ્યા છે, પરંતુ વેક્સિનની અછતથી લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.ત્યારે શહેરમાં વેક્સિનનો જથ્થો વધારવા માટે લોકોએ માંગ કરી છે.