ધોરણ ૧૦ ની માર્કેશીટ કેવી બનશે તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર આજે અથવા આવતીકાલે નિર્ણય જાહેર કરશે. પરીક્ષા રદ કર્યા બાદ પરિણામ કેવી રીતે તૈયાર કરવુ તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. જે મુજબ સર્ટિફિકેટ બનશે. ધોરણ ૧૦ ની માર્કેશીટ માટે CBSE ની સંપૂર્ણ ગાઈડલાઈન પાલન નહિ કરાય. પરિણામ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ અને શાળાઓએ લીધેલ એકમ કસોટીને પણ આધાર બનાવાઈ શકાય છે. આ માટે કમિટિ દ્વારા માર્કશીટ તૈયાર કરવાની ભલામણો સરકારને મોકલી અપાઈ છે.
ધોરણ 10 ના વિદ્યાર્થીઓના પરિણામ અંગે જલ્દી નિર્ણય આવી શકે છે. સરકાર દ્વારા અલગ અલગ વિભાગના 12 લોકોનો સમાવેશ કરી કમિટી તૈયાર કરવામાં આવી છે. કમિટી દ્વારા નિર્ણય લઇ બાદમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. આ માટે 12 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. 12 સભ્યોમાં રાજકોટના સંચાલક જતીન ભરાડનો સમાવેશ કરાયો છે.
કેવી રીતે બનાવાઈ કમિટિ
પરિણામ કેવી રીતે તૈયાર કરવું તે અંગે કમિટિ બનાવવામાં આવી છે. જેમાં 2 થી 3 જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ બોર્ડના 2 સભ્યો, શાળા સંચાલકમાંથી તેઓની પોતાની મળી કુલ 12 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ લોકો વિચાર વિમર્શ કરીને સરકારને રિપોર્ટ સોંપશે.
કચ્છ ભૂકંપ વખતે માસ પ્રમોશન અપાયું હતું
વર્ષ 2001 માં કચ્છ ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. જોકે, એ સમયે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની 2 માસ પછી પરીક્ષા લેવામાં આવી હતી.