રાજ્યમાં સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ સામાન્ય થતા છુટછાટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ, કોરોનાની માર્ગદર્શિકા સાથે ટ્યુશન ક્લાસીસ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ટ્યુશન ક્લાસીસ બંધ હતા. ત્યારે ટ્યુશન ક્લાસીસને ગાઈડલાઈન સાથે ખોલવાની મંજુરી મળતા સંચાલકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.
મહત્વનું છે કે, એક મહિનાથી ટ્યુશન અને ક્લાસીસના સંચાલકો દ્વારા રાજ્ય સરકારને આવેદનપત્ર આપીને ટ્યુશન ખોલવા માટે માંગ કરવામાં આવી હતી. આવતીકાલથી રાજ્યમાં 15000 થી વધુ ક્લાસીસ શરૂ થશે. ક્લાસીસનાં સંચાલકોનું કહેવું છે કે,”છેલ્લા 18 મહિનાથી શૈક્ષણિક પ્રવુતિઓ હતી અને ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ચોક્કસપણે ફાયદો થશે.”
ઉલ્લેખનીય છે કે, ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે અને હાલમાં 50% વિદ્યાર્થીઓ સાથે ક્લાસીસને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.