અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે.જેના આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે.ચાલુ માસ દરમિયાન પણ 10 દિવસમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.
ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધ્યા છે.ડેન્ગ્યુના કેસમાં પણ નોંધપાત્ર વધારો યથાવત છે.9 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા છે.
જ્યારે વર્ષ 2021માં દસ મહિનામાં ડેન્ગ્યુના 1820 કેસ અને ચિકનગુનિયાના 914 કેસ નોંધાયા છે.વર્ષ 2021ના માત્ર ઓક્ટોબર માસ દરમિયાન જ સાદા મેલેરિયાના 769 કેસ નોંધાયા છે.. અમદાવાદમાં વકરતા રોગચાળાને લઇને કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોને કાબૂમાં લાવવા સઘન સફાઇ કરવા આદેશ આપવામાં આવ્યા છે.પાણી ભરાતા હોય તેવી જગ્યાએ, ભંગાર અને ટાયરની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત દરેક વોર્ડમાં દરરોજ પાણીના બે સેમ્પલ લેવા સૂચના અપાઇ છે.આ ઉપરાંત હેલ્થ કમિટીની બેઠકમાં રાત્રિ સફાઇ ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે રાત્રિ સફાઇ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.