કાલુપુર પોલીસે મહારાષ્ટ્રના એક પુરુષ અને એક મહિલા વિરુદ્ધ રૂ. 5,000માં એક બાળકની કથિતરૂપે તસ્કરી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે. મહારાષ્ટ્રના મુંબઈ અને નાગપુરમાં રહેતા બે લોકો પર અમદાવાદથી બે મહિનાનું એક બાળક તસ્કરી કરીને આંધ્ર પ્રદેશના વિજયવાડા લઈ જવાનો આરોપ મૂકાયો છે.
મહારાષ્ટ્રના વર્ધાથી રેલવે સુરક્ષા ફોર્સ (આરપીએફ)ના એક અધિકારીએ બંનેની ધરપકડ કરી હતી. આરપીએફે તેમની ઓળખ કરી હતી, જેમાં પુરુષનું નામ 40 વર્ષીય ચંદ્રકાત પટેલ હતું, જે મુંબઈના મલાડ (પૂર્વ)માં રહે છે જ્યારે 40 વર્ષીય મહિલા દ્રૌપદી મેશ્રામ નાગપુર શહેરમાં રહે છે.
આરપીએફે 25મી ડિસેમ્બરે મહિલા અને પુરુષ બંનેને અમદાવાદથી ચેન્નઈ જઈ રહેલી નવજીવન એક્સપ્રેસના કોચ એસ-3માં બે બાળકો સાથે પકડ્યા હતા. આ સમયે આરપીએફ અધિકારીએ તેમની પૂછપરછ કરી હતી, જેમાં તેમને જણાયું હતું કે આ બાળક તેમના નથી.
પૂછપરછ દરમિયાન પટેલ અને મેશ્રામે કબૂલ કર્યું કે તેઓ બાળકોના અસલી માતા-પિતા નથી અને તેઓ આ બાળકોને વિજયવાડામાં મુમતાઝ નામની મહિલાને સોંપવાના હતા. તેમણે પોલીસને એમ પણ કહ્યું કે, અમદાવાદ શહેરની એક વ્યક્તિ, જેની ઓળખ કુણાલ રૂપે થઈ છે, તેણે બાળક સોંપ્યું હતું અને તેમને રૂ. 5,000 આપ્યા હતા. રેલવે પોલીસે બંને પાસેથી રૂ. 3,000 રોકડ જપ્ત કરી હતી અને આગળની તપાસ માટે તેમનો સેલફોન પણ જપ્ત કરી લીધો હતો.
બાળકોને મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરના એક સંરક્ષણ ગૃહમાં મોકલી અપાયા છે. અમદાવાદ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે બાળકની તસ્કરી પહેલા પટેલ અને મેશ્રામ એકબીજાને ઓળખતા નહોતા. એક રેલવે પોલીસ અધિકારીએ શરૂઆતમાં વર્ધા પોલીસમાં એક સગીરની તસ્કરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી આગળની પૂછપરછ માટે આ કેસ શાહીબાગમાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરીને સોંપવામાં આવ્યો હતો.
શહેર પોલીસ કમિશનરે અમદાવાદ પોલીસના માનવ-તસ્કરી વિરોધી એકમને તપાસ સોંપી હતી. યુનિટના અધિકારી હજી સુધી નિશ્ચિત નથી કરી શક્યા કે મુખ્ય આરોપી કુણાલ કોણ છે અને શું પેટલ અને મેશ્રામ તસ્કરીના અન્ય કેસોમાં પણ સામેલ હતા.